રાજયસરકાર દ્વારા 1 એપ્રિલથી શરૂ કરાયેલ “સુજલામ સુફલામ જળ અભિયાન” અન્વયે રાજકોટ જિલ્લામાં સિંચાઇ વિભાગ દ્વારા જળાશયો ખોદવાના 11 કામો પૂર્ણ થયા છે, જયારે અન્ય 24 કામો પ્રગતિ હેઠળ છે.1 એપ્રિલથી 31 મે-2021 સુધી ચાલનારા “સુજલામ સુફલામ જળ અભિયાન” અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ 272 કામો કરવાનું આયોજન છે. જે પૈકી 5 એપ્રિલ-2021 સુધીમાં 14 ઘન મીટર માટીનું ખોદકામ થયું છે. આ માટે બે ટ્રેકટરની મદદ લેવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના 6 તાલુકાઓમાં તળાવ ઉંડા ઉતારવાના 8 કામો પ્રગિત હેઠળ છે, જેમાં કુલ 1129 શ્રમિકોને રોજગારી મળી રહી છે. ધોરાજી તાલુકાના ભલગામડા, ગોંડલ તાલુકાના મેસપર, જામકંડોરણા તાલુકાના ખજૂરડા અને સોડવદર, જસદણ તાલુકાના બળધોઇ, રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી તથા વીંછીયા તાલુકાના ભોયરા અને ઓરી ગામો ખાતે તળાવ ઉંડા ઉતારવાના કામો પ્રગતિ હેઠળ છે. આ તમામ કામોમાં કુલ 1129 શ્રમિકો રોજગારી મેળવી રહયા છે,તેમ તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલની યાદીમાં જણાવાયું છે.