- સ્માર્ટ સિટીમાં અટલ સરોવર બાદ હવે પખવાડીયામાં રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીનો સમય માંગતું કોર્પોરેશન: રાજકોટવાસીઓને નવલું નજરાણું મળશે
- કેન્દ્રમાં 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનની સરકાર બન્યા બાદ દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
2019માં રાજકોટ શહેરની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી હતી. 930 એકર વિસ્તારમાં શહેરના રૈયા વિસ્તારમાં ફેલાયેલા સ્માર્ટ સિટી એરિયાનું કોર્પોરેશન દ્વારા ‘અટલ’ સ્માર્ટ સિટી નામકરણ કરવામાં આવ્યું છે.
આગામી એક પખવાડીયામાં સ્માર્ટ સિટીનું લોકાર્પણ કરી દેવામાં આવશે.
રાજકોટની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રૈયા વિસ્તારમાં 930 એકર જગ્યાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે રૈયા ટીપી સ્કિમ નં.32 બનાવવામાં આવી હતી.
સ્માર્ટ સિટીનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ.1000 કરોડનો છે. જેમાં 75 એકરમાં ફેલાયેલા અટલ સરોવરનો ખર્ચ રૂ.136 કરોડ જેવો થાય છે.
ગત 1-મેના રોજ અર્થાત્ ગુજરાત રાજ્યના સ્થાપના દિને અટલ સરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. માત્ર રાજકોટ જ નહિં સૌરાષ્ટ્રભરના લોકો માટે અટલ સરોવર એક સર્વોચ્ચ ફરવા લાયક સ્થળ બની ગયું છે. દરમિયાન સ્માર્ટ સિટીમાં 538 કરોડના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ એલ એન્ડ ટી કંપનીને આપવામાં આવ્યું હતું.
આ કામ પૂર્ણ થઇ ગયું છે. દરમિયાન ગત ગુરૂવારે સમાજ કલ્યાણ સમિતિ દ્વારા શહેરના રૈયા સ્માર્ટ સિટી એરિયાને અટલ સ્માર્ટ સિટી નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન આગામી મંગળવારે કોર્પોરેશનના 52માં સ્થાપના દિને જ યોજાનારી જનરલ બોર્ડની બેઠકમાં સ્માર્ટ સિટીના નામકરણની અરર્જન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
બીજી તરફ હવે સ્માર્ટ સિટીમાં પામ સિટી પ્રોજેક્ટનું જ કામ બાકી છે. મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું હોય સ્માર્ટ સિટીના લોકાર્પણ માટે કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગનો સમય માંગવામાં આવ્યો છે.
સ્માર્ટ સિટીમાં સૌથી મોટું આકર્ષણ અટલ સરોવર અને લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે. અહિં પર્યાવરણની જાળવણી માટે 50 હજાર વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. આઠ એકરમાં શહિદ પાર્કનું પણ નિર્માણ ટૂંક સમયમાં કરાશે. રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત 17 કિલોમીટર વિસ્તારમાં 18 મીટરથી લઇ 60 મીટર સુધીના રોડ બનાવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટીના 11 કિલોમીટરના વિસ્તારમાં બીઆરટીએસ રૂટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ બાદ સ્માર્ટ સિટી એરિયામાં પણ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવશે.