કાબે અર્જુન લુંટયો, વહી ધનુષ વહી બાણ !
આયરલેન્ડને પ્રથમ ઈનિંગ્સમાં મળી ૧૨૨ રનની લીડ
વિશ્વકપ વિજેતા ઈંગ્લેન્ડને આયરલેન્ડે એકમાત્ર ટેસ્ટમાં પ્રથમ ઈનીંગ્સમાં ધુળ ચાટતુ કરી દીધું હતું. ઈંગ્લેન્ડને માત્ર ૮૫ રનમાં ઓલઆઉટ કરી દેતા ઈંગ્લેન્ડનાં ખેમામા જાણે હાહાકાર મચી ગયો હોય તેવું સામે આવ્યું હતું. આયરલેન્ડે પ્રથમ ઈનિંગ્સ માટે ૧૨૨ રનની લીડ પણ મેળવી લીધી છે ત્યારે ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવા માટે આવેલી આયરલેન્ડ ટીમનું પ્રદર્શન સરાહનીય સાબિત થઈ રહ્યું છે ત્યારે એવો પણ ઘાટ સામે આવ્યો છે કે, કાબે અર્જુન લુંટયો, વહી ધનુષ વહી બાણ !
લોર્ડ્ઝના મેદાન પર ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ આઈરિશ ટીમ સામે નતમસ્તક થઈ ગઈ. એશિઝ પહેલા રમાઈ રહેલી આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માત્ર ૮૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ. આયરલેન્ડ તરફી ખતરનાક બોલિંગ કરવામાં આવી જેનો ઈંગ્લેન્ડના કોઈ બેટ્સમેન પાસે તોડ ન દેખાયો. ઉલ્લેખનીય છે કે, વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ ઈંગ્લેન્ડ આ ટેસ્ટી પ્રથમવાર મેદાન પર ઉતરી છે.
આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતી પ્રમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય ઈંગ્લેન્ડની ટીમને જરાય માફક ન આવ્યો અને માત્ર ૨૩.૪ ઓવરમાં ૮૫ રન બનાવી આખી ટીમ તંબુ ભેગી થઈ ગઈ. ઈંગ્લેન્ડ માટે જો ડેનલીએ સૌથી વધુ ૨૩ રન બનાવ્યા. આ ઉપરાંત સેમ કરને ૧૮ અને ઓલી સ્ટોને ૧૯ રનનું યોગદાન આપ્યું. ૮ ઈંગ્લિશ બેટ્સમેનો થતો ડબલ ફિગરમાં પણ ન પહોંચી શક્યા. આયરલેન્ડ તરફી ફાસ્ટ બોલર ટિમ મુર્ટાગ અને માર્ક અડેરે ઝંઝાવાતી બોલિંગ કરી. મુર્ટાગે પોતાના કરિયરમાં પ્રથમવાર પાંચ વિકેટ મેળવી, જ્યારે અડેરે ૩ વિકેટો ઝડપી. આ ઉપરાંત બોયડ રેન્કિંને પણ પણ બે વિકેટો ખેરવી. આયરલેન્ડે માત્ર ૪ બોલરોનો ઉપયોગ કર્યો, જેમાંથી સ્ટુઅર્ટ થોમસનને કોઈ સફળતા ન મળી.
ઈંગ્લેન્ડની ટીમ માટે આ પહેલીવાર છે જ્યારે તે પોતાના ઘરઆંગણે આટલા ઓછા સ્કોર પર આઉટ થઈ છે. જોકે, ઈંગ્લેન્ડ આનાી પણ ઓછા સ્કોરમાં ઘણીવાર ઑલઆઉટ થઈ ચૂકી છે પણ પોતાના ઘરમાં તેની આવી હાલત ક્યારેય ની થઈ. જણાવી દઈએ કે, આયરલેન્ડને હજુ થોડા સમય પહેલા જ ટેસ્ટ ક્રિકેટિંગ નેશનનો દરજ્જો મળ્યો છે. તે માત્ર પોતાની બીજી ટેસ્ટ મેચ જ રમી રહી છે. ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને આટલા સસ્તા સ્કોર પર આઉટ કરીને તેણે સંકેત આપી દીધા છે કે, તેને હળવાશી લેનારી ટીમો માટે તે સંકટ બની શકે છે.