૩૨૦ રૂપિયામાં અપાયેલા આઈઆરસીટીસીનાં શેરનું રૂ.૬૫૦માં લીસ્ટીંગ: રોકાણકારોને ૧૦૩.૨૩ ટકા વળતર
ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનનું આજે બીએસઈમાં ધમાકેદાર લીસ્ટીંગ થતા રોકાણકારોને બખ્ખા થઈ ગયા છે. જોરદાર લીસ્ટીંગનાં કારણે ઉઘડતા સપ્તાહે સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. આઈઆરસીટીસીમાં રોકાણકારોને ૧૦૩.૨૩ ટકા જેવું જબરું વળતર પ્રાપ્ત થયું છે.
આજે ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશનનું લીસ્ટીંગ થાય તે પૂર્વે જ બજારમાં તેજી જોવા મળી હતી. રોકાણકારોની અપેક્ષાથી પણ જોરદાર લીસ્ટીંગ થયું હતું. આઈઆરસીટીસી દ્વારા રોકાણકારોને પ્રતિ શેર રૂ.૩૨૦ લેખે આપવામાં આવ્યો હતો જેની સામે આજે બોમ્બે સ્ટોક એકસચેન્જમાં આઈઆરસીટીસીનું ૬૫૦ રૂપિયામાં લીસ્ટીંગ થતા રોકાણકારોને ૧૦૩.૨૩ ટકા જેવું જોરદાર વળતર પ્રાપ્ત થયું હતું. ઉઘડતી બજારે ગણતરીની મિનિટોમાં શેરનાં ભાવ ૬૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આઈઆરસીટીસીનાં ધમાકેદાર લીસ્ટીંગનાં કારણે બજારમાં તેજીનો પવન ફુંકાયો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં કામકાજ કરતા જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૦૩ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૮,૨૩૦ અને નિફટી ૩૫ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૩૩૯ પર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં પણ ૨૧ પૈસા જેવી તેજી જોવા મળી રહી છે.