- આગામી સમયમાં કેદારનાથ, બદ્રીનાથની યાત્રા યોજવાની વિચારણા
- ટ્રેનમાં મુસાફરોને સ્વાદિષ્ટ શાકાહાર ભોજન સહિત તમામ સુવિધા મળી રહેશે
Rajkot : IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી સાથે તમામ સુવિધા આપવા પ્રતિબઘ્ધ છે. યાત્રા દરમિયાન મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીને લગતી માહીતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. આ ટુર પેકેજની કિંમતમાં આઇઆરસીટીસી મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર શુઘ્ધ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. બસ દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વિમો વગેરે જેવી સુવિધાઓ પુરી પાડશે.
તા.ર0 ઓગષ્ટથી રાજકોટથી શ્રાવણ સ્પેશ્યલ ટ્રેન થશે રવાના: મહાકાલેશ્ર્વર, ઓમકારેશ્ર્વર, ત્ર્યંબકેશ્ર્વર, ભીમાશંકર, ગ્રિષ્ણેશ્ર્વર, વૈજનાથ, મલ્લિાકાર્જુન જયોતિલિંગ ના દર્શન કરશે મુસાફરો
ભારતીય રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને તા.ર0 ઓગષ્ટથી રાજકોટથી 10 દિવસ માટે સાત જયોતિલિંગની યાત્રાનો પ્રારંભ થશે. આ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શ્રાવણ સ્પેશ્યલ 7 જયોતિલિંગ યાત્રામાં મહાકાલેશ્ર્વર, ઓમકારેશ્ર્વર, ત્ર્યંબકેશ્ર્વર, ભીમાશંકર, ગ્રિષ્લોશ્ર્વર, પરલી વૈજનાથ, મલ્લિાર્જુન જયોતિલિંગના દર્શન કરવાનો લાભ મળશે.
આ યાત્રામાં મુસાફરોને બે લાખ રૂ. નો વીમો અને પ્રાથમિક મેડીકલ સારવાર પણ મળી રહે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રવાસ માટે પર્યટકો માટે ત્રણ કેટેગરી નકકી કરવામાં આવી છે.
જેમાં સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) માટે રૂ. 20,900, કમ્ફર્ટ કલાસ 3 એ.સી. માટે રૂ. 34,500 અને સુપિરિચય કલાસ ર એ.સી. માટે રૂ. 48,900 ના દરો નકકી કરવામાં આવ્યાં છે. આ પ્રવાસમાં આઇઆરસીટીસી દ્વારા એલટીસી સુવિધા પણ આપવામાં આવી રહી છે.
આ યાત્રાના પ્રવાસ અંગે માહીતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં આઇઆરસીટીસીના નવીનકુમાર સિન્હા તથા શુભમ આર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે. ત્યારે પ્રવાસીઓ માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શ્રાવણ સ્પેશ્યલ 7 જયોતિલિંગ યાત્રાનું તા. ર0 થી 29 ઓગસ્ટ (9 રાત્રી 10 દિવસ) સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ટ્રેનનું રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, મેઘનગર, રતલામ, નાગદાથી બેસી શકે છે. અત્યારથી જ 40 ટકા બુકીંગ થઇ ચૂકયું છે. અને અમને આશા છે કે આગામી દિવસોમાં પુરેપુરુ બુકીંગ થઇ શકે છે. આ યાત્રા ટ્રેનમાં કુલ 14 કોચ હશે અને 1ર મેનેજર સાથે 80 લોકોને સ્ટાફ ખડે પગે રહેશે. આ યાત્રા સાથે મુસાફરોને ર લાખ રૂપિયાનો એકિસડેન્ટલ વિમો પણ આપવામાં આવશે.
ટુર પેકેજના બુકીંગ શરૂ થઇ ગયાં છે હવે પેકેજ ‘બુક કરો’ ‘ઇએમઆઇ’ થી આ સુવિધા ફકત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ ઉપરાંત આઇ.આર.સી.ટી. દ્વારા આગામી સમયમાં પણ પવિત્ર યાત્રાઓ શરુ કરવા માટે વિચારણા ચાલી રહી છે જેમાં ઉતરાખંડમાં આવેલી આફતને ઘ્યાનમાં રાખીને હાલ કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાને મોકુફ રાખવામાં આવી છે. પરંતુ જયારે આ યાત્રા શરુ કરવામાં આવશે. ત્યારે રાજકોટથી 11 દિવસની યાત્રા શરુ થશે. જેમાં જેમાં સ્ટાન્ડર્ડ અને ડિલકસ કલાસમાં આ યાત્રા ટ્રેન નીકળશે અને જે તે પેકેજ ખર્ચમાં જ મુસાફરોને હેલીકોપ્ટર યાત્રાનો સમાવેશ કરી લેવામાં આવશે.