આ માસના અંતે ઈરાકમાં યોજાનાર ટી ફેસ્ટીવલમાં ભાગ લેવા ભારતને આમંત્રણ: ચાના ઈરાકી ગ્રાહકોનું નવું નેટવર્ક ઉભુ થતા ભારતની નિકાસ વધશે

ચાની ચૂસકી લેશે ઈરાક અને તેની લિજ્જત મળશે ભારતીય ઉત્પાદકોને..!! વૈશ્વિક ક્ષેત્રે ચાના ઉત્પાદનમાં ચીન બાદ ભારત સારું એવું પ્રમાણ ધરાવે છે. ત્યારે હવે ભારતનું ચાનુ વૈશ્વિક નેટવર્ક વધુ વિસ્તૃત અને મજબૂત બને તેવી શક્યતા છે. કારણ કે અંદાજે 10 વર્ષના વિરામ પછી ઈરાકએ ભારતીય ચા માટે પોતાના દરવાજા ખોલ્યા છે. નવેમ્બર માસને અંતે ઈરાકમાં ટી ફેસ્ટિવલનું આયોજન થવાનું છે જેમાં ભારતને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ 10 વર્ષ બાદ પેલી વાર બની રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ-બગદાદ દ્વારા ભારતીય ચા ઉત્પાદકોને આમંત્રિત કરાયા છે. આનાથી ભારતીય ચા કંપનીઓ કે જેઓ દર વર્ષે આશરે 1,400 મિલિયન કિલો ચાનું ઉત્પાદન કરે છે તેમને ઇરાકી ખરીદદારો સાથે નેટવર્ક કરવામાં અને ખોવાયેલું બજાર પાછું મેળવવામાં મદદ મળશે.

આ સાથે ઇરાકમાં ભારતની ચાનુ વેચાણ થતા ચાની કુલ નિકાસમાં પણ વધારો થશે. આમંત્રણની પુષ્ટિ કરતા ઈન્ડિયન ટી એસોસિએશન (આઈટીએ)ના સેક્રેટરી સુજીત પાત્રાએ જણાવ્યું કે વર્ષ 2006 સુધી ઈરાક ભારતીય ચા માટેનું મુખ્ય બજાર હતું. પરંતુ ત્યારબાદ, ચુકવણીમાં વિલંબ સહિતના વિવિધ મુદ્દાઓને લીધે, ભારતીય નિકાસ ધીમે ધીમે ઘટતી ગઈ અને  વર્ષ 2011-2012ની આસપાસ સંપૂર્ણ રીતે  વ્યવહાર અટકી ગયા.

અગાઉ ઇરાક ભારતમાંથી 40-45 મિલિયન કિલો સહિત લગભગ 80 મિલિયન કિલો ચાની આયાત કરતું હતું. જો કે, 2007 થી, શ્રીલંકાએ ટોચના સપ્લાયર તરીકે ભારતનું સ્થાન લીધું છે. અને હાલમાં તે ઇરાક માર્કેટમાં 80% થી વધુ હિસ્સો ધરાવે છે. આમ ભારતીય નિકાસકારોએ ધીમે ધીમે ઇરાકી ખરીદદારો સાથેના તમામ સંપર્કો ગુમાવ્યા અને નિકાસ તળીયે ચાલી ગઈ.

બગદાદ ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને પગલે, બગદાદમાં ભારતીય દૂતાવાસે 28-29 નવેમ્બરના રોજ ચા ઉત્સવમાં ભારતીય ચા કંપનીઓ સાથે ભાગ લેવા માટે ટી બોર્ડનો સંપર્ક કર્યો છે. ઇરાક જે પ્રકારની ચાની આયાત કરે છે તેનો અને વિવિધ ભાવે ભારત પાસે પૂરતો પુરવઠો છે. ઈરાકમાં ભારતનું ખોવાયેલું માર્કેટ પાછું મેળવવા માટે, ઈંઝઅ એ ઇરાકી ખરીદદારો સાથે વિશ્વાસ અને સંબંધ પુન:નિર્મિત કરવા ટી બોર્ડ અને ભારતીય દૂતાવાસના સક્રિય સમર્થનની વિનંતી કરી છે. આગામી દિવસોમાં યોજાનાર ટી ફેસ્ટિવલ આમાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.