સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલા ઇરાની ટ્રોફીના પાંચ દિવસીય મેચમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ સંઘર્ષ કરી રહી છે. આજે મેચના બીજા દિવસે શરૂઆતમાં જ રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ 308 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.જેના સામે સૌરાષ્ટ્રની ટીમે માત્ર 77 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઇન્ડિયાનો વોલ ગણાતો ચેતેશ્ર્વર પુજારા માત્ર 29 રન બનાવી આઉટ થઇ ગયો હતો.રેસ્ટ ઓફ ઇન્ડિયાના સુકાની હનુમા વિહારીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રેસ્ટ ઓફ ઇન્ડિયા 308 રનમાં ઓલઆઉટ: સૌરાષ્ટ્રે 77 રનમાં પાંચ વિકેટો ગુમાવી દીધા બાદ અર્પિત વસાવડા અને પ્રેરક માંકડે ટીમનો રકાશ ખાળ્યો
પ્રથમ દિવસની રમતના અંતે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે સાંઇ સુદર્શનના 72 રન અને કે.એસ.ભરતના 36 રનની મદદથી આઠ વિકેટના ભોગે 298 રન બનાવ્યા હતા. આ સ્કોરથી આજે આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમના સ્કોરમાં માત્ર 10 રન ઉમેરાયા હતા અને રેસ્ટ ઓફ ઇન્ડિયા 308 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્ર વતી પાર્થ ભૂતે 94 રન આપીને પાંચ વિકેટ ખેડવી હતી.
જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજા ત્રણ અને યુવરાજસિંહ ડોડીયાએ બે વિકેટો ખેડવી હતી. સૌરાષ્ટ્રનો આરંભ ખૂબ જ નબળો રહ્યો હતો. સ્કોર બોર્ડ પર માત્ર એક રન નોંધાયો હતો. ત્યાં હાર્વિક દેસાઇ ખાતુ ખોલ્યા વિના પેવેલીયનમાં પરત ફર્યો હતો. 77 રનના સ્કોરે સૌરાષ્ટ્રની અડધી ટીમ ઘરભેગી થઇ ગઇ હતી. ટેસ્ટ સ્ટાર ચેતેશ્ર્વર પુજારા માત્ર 29 રન બનાવી શક્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે સૌરાષ્ટ્ર 100 રનમાં ઓલઆઉટ થઇ જશે પરંતુ અર્પિત વસાવડા અને પ્રેરક માંકડની જોડીએ ટીમનો રંકાશ ખાળ્યો હતો. આ લખાઇ રહ્યું છે.ત્યારે સૌરાષ્ટ્રની ટીમે પાંચ વિકેટના ભોગે 124 રન બનાવી લીધા છે. અર્પિત 19 રન અને પ્રેરક 29 રન સાથે રમતમાં છે.