સૌરાષ્ટ્રને 214 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ રેસ્ટ ઓફ ઇન્ડિયાએ બીજા દાવમાં સાત વિકેટ ગુમાવી દીધી: કુલ 240 રનની લીડ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાઇ રહેલો ઇરાની ટ્રોફીનો પાંચ દિવસીય મેચ આજે ત્રીજા દિવસે રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રની ટીમને 214 રનમાં ઓલઆઉટ કરી દઇ 94 રનની મહત્વપૂર્ણ લીડ મેળવનાર રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે પોતાના બીજા દાવમાં 146 રનમાં સાત વિકેટો ગુમાવી દીધી છે. બીજા દાવમાં પણ સૌરાષ્ટ્રના બોલર પાર્થ ભૂતે પાંચ વિકેટો ખેડવી હતી.
ટોસ જીતી પ્રથમ દિવસે રેસ્ટ ઓફ ઇન્ડિયાના સુકાની હનુમા વિહારીએ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં 308 રન બનાવ્યા હતા. દરમિયાન સૌરાષ્ટ્રની ટીમ પોતાના પ્રથમ દાવમાં માત્ર 214 રનમાં ઓલઆઉટ થઇ જતા રેસ્ટ ઓફ ઇન્ડિયાને 94 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. બીજા દાવમાં પણ ટીમની શરૂઆત ખૂબ જ સારી રહેવા પામી હતી. બંને ઓપનર સાંઇ સુધરન અને મયંક અગ્રવાલ વચ્ચે 85 રનની ભાગીદારી નોંધાઇ હતી. જો કે, ત્યારબાદ રેસ્ટ ઓફ ઇન્ડિયાની બેટીંગ લાઇન પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ગઇ હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે બીજા દાવમાં આઠ વિકેટ ગુમાવી 146 રન બનાવી લીધા છે. સૌરાષ્ટ્ર પર હાલ 240 રનની મહત્વપૂર્ણ લીડ ચડાવી છે.