- શેરબજારમાં કૃત્રિમ ભાવ ઉછાળા પ્રકરણમાં કેન્દ્રીય એજન્સીએ દરોડા પાડ્યાનું અનુમાન
રાજ્યના વરિષ્ઠ આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે સેબીની ટીમે ધામા નાખતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રવીન્દ્ર પટેલને ત્યાં સેબી (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના દરોડા પડ્યાં છે. 20 માર્ચ, 2025ને ગુરૂવારે એક વિશેષ ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે આઈપીએસ અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે ગલોડીયા ગામમાં રહેતા આઈપીએસના સાળાની પણ કેન્દ્રીય ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતના બાબતે પૂછપરછ અધિકારી અને તેના સાળની પૂછપરછ કરવામાં આવી હતી. દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. શેરબજારના ભાવોમાં કુત્રિમ ઉછાળા પ્રકરણમાં આઇપીએસની શંકાસ્પદ ભૂમિકા હોવાના પગલે સેબીએ દરોડા પાડ્યાની વિગતો સાંપડી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સેબીએ ફટકારેલી નોટીસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથોસાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની બાહેધરી આપતાં સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જો કે સેબીની નોટીસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલ આઇપીએસ હોવાની વાતનો કયાંય કોઇ ઉલ્લેખ નથી. પણ સેબીએ આઇપીએસ રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલ તથા તેમના સગાંને ત્યાં 20 માર્ચની સવારથી જ તપાસ હાથ ધરી હોવાના કારણે સેબી સાથે જેમનું સમાધાન થયેલ છે તે આઇપીએસ રવીન્દ્ર પટેલ જ હોવાની વાતે જોર પકડયું હતું. એટલું જ નહીં પરંતુ સેબી સાથે બીજી કોઇ એજન્સીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હોવાની વાતો વહેતી થઇ છે. બીજી તરફ સેબીના 27 ફ્રેબ્રુઆરી, 2025ના સેટલમેન્ટ ઓર્ડરમાં સેબી અને રવીન્દ્ર પટેલ વચ્ચે સમાધાન થઇ ગયું હોય તો પછી કયા કારણોસર સેબીએ આઇપીએસ રવીન્દ્ર પટેલને ત્યાં તપાસ હાથ ધરી છે તે વિષય ચર્ચાનો બન્યો છે. રવીન્દ્ર પટેલના પિતા પણ નિવૃત્ત આઇ.પી.એસ. હતા.
ખેડબ્રહ્મા તાલુકાના રોધરા ગામના વતની રવીન્દ્ર પટેલ તથા તેના સાળાંને ત્યાં ગુરૂવારે વહેલી સવારથી જ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો. રોધરા ગામમાં આઇપીએસ અધિકારીના પૈતૃક મકાન અને અન્ય સંપત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ખેડબ્રહ્માના જ ગલોડીયા ગામે પણ તપાસ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. ગલોડીયા ગામમાં રહેતા આઈપીએસ અધિકારીના સાળાની પણ કેન્દ્રીય એજન્સીઓની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં વધુ એક ચોંકાવનારી વાત એ છે કે રવીન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીના પરિવારમાં આ પ્રકારની તપાસથી સમગ્ર પોલીસ વિભાગમાં આશ્ચર્યની સાથે ચર્ચા જન્માવી છે.
શું હતો મામલો?
સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપનીનાં શેરનાં ભાવમાં યુ-ટ્યુબ વીડિયો દ્વારા કંપનીની વિકાસની વાતો, વિસ્તરણ તેમજ ભ્રામક વાતો ફેલાવતી જાહેરાતો કરીને કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્યો હોવાની ફરિયાદ જુલાઇ- સપ્ટેમ્બર-2022માં સેબીને મળી હતી. આ ફરિયાદના આધારે સેબીએ તપાસ કર્યા બાદ રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલ સહિત અન્યોને 9 જાન્યુઆરી, 2024માં કારણદર્શક નોટીસ ફટકારી હતી. જેમાં તમે સેબી ધારાની વિવિધ કલમો હેઠળની જોગવાઇઓનો ભંગ કર્યો છે. તો તમારી સામે સેબી અધિનિયમ 1992ની વિવિધ કલમો હેઠળ યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી. તમે ખોટો નફો કમાવવા માટે તમે રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા છે, આવા આક્ષેપો બદલ તમારી સામે દંડનીય કાર્યવાહી કેમ ના કરવી? આ નોટીસના જવાબમાં રવીન્દ્ર પટેલે સેબી સમક્ષ સમાધાનકારી પ્રક્રિયા માટે 24 ફ્રેબ્રુઆરી, 2024ના રોજ સેટલમેન્ટ અરજી કરી હતી.
ફેબ્રુઆરી માસમાં જ સેટલમેન્ટ પેટે કરોડો રૂપિયા ચૂકવી દીધાનો ખુલાસો
સેટલમેન્ટ જોગવાઇના સંદર્ભમાં સેબીની ઇન્ટરનલ કમિટીની 13 ઓગસ્ટ, 2024 અને 15 ઓક્ટોબર, 2024ના રોજ મિટિંગ મળી હતી. આ મિટિંગમાં રવીન્દ્ર પટેલે દરખાસ્ત કરી હતી કે, આમાં ખોટી નફાખોરી થઇ છે તેની અમે ક્ષતિ પૂર્તિ કરીએ. આ દરખાસ્તના ભાગરૂપે 1,90,61,362 અને 72.80 લાખની પેનલ્ટી પણ ભરી છે. બંનેના સરવાળો કરીએ તો અંદાજે 2.62 કરોડની રકમ 19 ફ્રેબ્રુઆરી, 2025ના રોજ ભરપાઇ
કરી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ દંડ ભરપાઇ સાથે છ મહિના સુધી આ કંપનીના શેરોની ખરીદી, વેચાણ તેમજ લેવડ-દેવડ નહીં કરવાની પણ રવીન્દ્ર પટેલે સંમતિ દર્શાવી હતી. આ ઓર્ડર 27 ફ્રેબ્રુઆરી, 2025ના રોજ થયો હતો.