- નલીન ઉપાધ્યાયની વય નિવૃતિ બાદ હસમુખ પટેલ કાર્યભાર સંભાળશે
- લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી
Gujrat : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. જેમાં GPSCના નવા ચેરમેન તરીકે આઈપીએસ કેડરના અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેના આદેશો જાહેર કર્યા છે. IPS હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમની નિમણૂંક સાથે GPSCને નવુ નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ તેઓની આ મહિનાના અંતમાં વય મર્યાદાના કારણે નિવૃતિ થઈ રહી હોવાથી સરકારે હવે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી કરી છે.
કોણ છે હસમુખ પટેલ ?
વર્ષ 1993 બેચના IPS હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો. UPSCમાં ચાર વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. બે વખત સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી. તેઓ SP તરીકે સુરત, પોરબંદર, વલસાડ (Valsad) ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ત્યારે હવે નવી જવાબદારી સાથે કાર્યભાળ સંભાળશે.