આગામી સપ્તાહે મળનારી આઈપીએલ ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં વિગતવાર કાર્યક્રમ નક્કી કરાશે
વિશ્ર્વભરનાં ક્રિકેટ પ્રેમીઓમાં રોમાંચ જગાવનારી આઈપીએલ ટુર્નામેન્ટ દેશમાં હાલ પ્રવર્તી રહેલી કોરોનાની મહામારીના કારણે યુએઈમાં યોજવાનો નિર્ણય કરાયો છે. આઈપીએલની ૧૩મી સીઝનનો વિગતવર કાર્યક્રમ આગામી સપ્તાહે મળનારી આઈપીએલ ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં નકકી કરવામાં આવનારો છે. દરમ્યાન બીસીસીઆઈના આધારભૂત સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ આઈપીએલનો પ્રારંભ ૧૯ સપ્ટેમ્બરથી થશે અને ફાઈનલ મેચ ૨૦ ઓગષ્ટે રમાડાય તેવી સંભાવના છે. ૫૧ દિવસના આ ક્રિકેટ જંગ ખેલવા માટે આઈપીએલમાં ભાગ લેનારી તમામ ટીમો ૨૦ ઓગષ્ટ સુધીમાં યુએઈ પહોચી જશે.
યુએઈમાં રમાનારા આઈપીએલની ૧૩મી સીઝનનો વિગતવાર કાર્યક્રમ આગામી સપ્તાહે મળનારી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં નકકી કરવામાં આવશે. હાલમાં સુત્રોમાંથી જે વિગતો મળી છે તે મુજબ ૧૯ સપ્ટે.ને શનિવારે આઈપીએલનો પ્રારંભ મેચ અને ૮ નવે.ને રવિવારે ફાઈનલ મેચ યોજવા માટે તમામ ટીમો, ફ્રેન્ચાઈઝી બ્રોડકાસ્ટરો સહિતના તમામ ભાગ લેનારાઓએ સહમતી દર્શાવી છે. જેથી આ સમયગાળા દરમ્યાન જ ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લેવાશે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમો ૨૦ ઓગષ્ટ સુધી યુએઈમાં પહોચી જશે. જેથી દરેક ટીમોના ખેલાડીઓને યુએઈના વાતાવરણમાં સેટ થવા ઉપરાંત પ્રેકટીસ માટેનો પૂરતો સમય મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલની આ ૧૩મી સીઝન શકય એટલા માટે બની શકી હતી કે આઈસીસીએ ઓસ્ટ્રેલીયામાં ઓકટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી.૨૦ વર્લ્ડ કપને સ્થગિત કરી દીધો છે. ઓસ્ટ્રેલીયામાં કોરોનાની હાલની સ્થિતિના કારણે ત્યાંની સરકારી ટી.૨૦ વર્લ્ડકપ યોજવાની અસમર્થતા દાખવી હતી. જેથી આ વર્લ્ડકપ સ્થગિત રહેતા આઈપીએલનું આયોજન શકય બન્યું છે. ભારતના ઓસ્ટ્રેલીયા પ્રવાસના આયોજનમાં મુશ્કેલી ન પડે તે માટે ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થનાર આઈપીએલની થોડો વહેલો એક અઠવાડીયા વહેલા યોજવાનો નિર્ણય કર્યો છે.
ઓસ્ટ્રેલીયામાં કોરોના અંગેના નિયમો મુજબ તેમના દેશમાં પ્રવેશનારા દરેક વ્યકિતને ૧૪ દિવસ કવોરન્ટાઈન થવું પડે છે.ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા રમવા જાય તો પણ ટીમના તમામ ખેલાડીઓને ફરજીયાત ૧૪દિવસ કવોરન્ટાઈન થવું પડે તેમ છે.