આઈપીએલમાં સટ્ટાકાંડને લઈને સતત નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ફિલ્મી દુનિયાના લોકો સટ્ટાબાજીની દુનિયામાં કેટલા ફસાયા છે, દરરોજ નામ ઉજાગર થઈ રહ્યાં છે. પહેલા આ ખેલમાં સલમાનના ખાઈ અરબાઝનું નામ આવ્યું હતું અને અરબાઝ ખાને સટ્ટાબાજીમાં સામેલ હોવાની વાતનો સ્વીકાર પણ કર્યો હતો. અરબાઝ ખાન બાદ હવે સાજિદ ખાનનું નામ પણ સટ્ટાબાજીમાં સામે આવી રહ્યું છે. સોનૂ જાલાને પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, આશરે 7 વર્ષ પહેલા સાજિદ ખાન પણ આઈપીએલમાં સટ્ટો લગાવતા હતા. પોલીસ સૂત્રો પ્રમાણે, પોલીસે અત્યાર સુદી સાજિદને પૂછપરછ માટે નોટિસ પાઠવી નથી.

500 કરોડથી વધુના આઈપીએલ સટ્ટાકાંડના આ ખેલમાં માસ્ટર માઇન્ડ સોનૂ જાલાન પોલીસના હાથમાં આવ્યા બાદ નવા-નવા નામ સામે આવી રહ્યાં છે. થાણે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, સોનૂએ પૂછપરછમાં સાજિદ ખાનનું નામ પણ લીધું છે. સોનૂએ પોલીસને જણાવ્યું કે, સાત વર્ષ પહેલા સાજિદ તેની સાથે સટ્ટો લગાવતો હતો, પરંતુ કોઇ પ્રકારનો અણબનાવ થતા તે અલગ થઈ ગયો અને પછી અન્ય બુકી સાથે સટ્ટો લગાવવા લાગ્યો.

સાજિદ સિવાય ઘણી અન્ય ફિલ્મી હસ્તિઓ આમાં સામેલ હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ તેને જલદી સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.