ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 માટે ખેલાડીઓની હરાજી યોજાઈ છે. ચેન્નઈમાં આયોજિત હરાજીમાં સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલને લોટરી લાગી છે. મેક્સવેલ માટે ત્રણ ફ્રેન્ચાઈઝીઓ રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. બાદમાં કોલકાતા રેસમાંથી હટી ગયું હતું. અંતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા મેક્સવેલને 14.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સે 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ઈંગ્લિશ સ્પિનર મોઈન અલીને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતના શિવમ દૂબેને રાજસ્થાન રોયલ્સે 4.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો જ્યારે તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.