- દિલધડક અને રસાકસીભર્યા મુકાબલા માટે જાણીતા આઇપીએલ ‘ક્રિકેટ કાર્નિવલ’માં ચેમ્પિયનનો તાજ મેળવવા માટે 10 ફ્રેન્ચાઇઝી વચ્ચે આગામી 65 દિવસમાં કુલ મળીને 74 મુકાબલા દેશના વિવિધ 13 સ્ટેડિયમમાં રમાશે
દુનિયાની સૌથી મોટી ટી20 ક્રિકેટ લીગ ઇંડિયન પ્રિમીયર લીગની 18 મી સિઝનની શરૂઆત આજથી થઈ રહી છે. પહેલો મુકાબલો કોલકાતા નાઈટરાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.કેકેઆર ગત સિઝનની ચેમ્પિયન છે. આ પહેલા 2008 માં પણ બન્યું હતું. તે આઇપીએલ ની પહેલી સીઝન હતી અને તે વર્ષે પણ સીઝનની પહેલી મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. હવે આઇપીએલ 2008 પછી 17 વર્ષ પછી, બંને ટીમો શરૂઆતની મેચમાં ટકરાશે. આઇપીએલની પહેલી સીઝનમાં, કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. તે સિઝનમાં સૌરવ ગાંગુલી કોલકાતાના કેપ્ટન હતા. આરસીબીનો કેપ્ટન રાહુલ દ્રવિડ હતો.આઈપીએલની આ 18મી સીઝન છે, પરંતુ આરસીબી અને કેકેઆર વચ્ચેની કટોકટી સૌથી જૂની છે. બંને ટીમો વચ્ચે ઘણી રોમાંચક મેચ રમાઈ છે. જેમાં કેકેઆર ટીમ થોડી આગળ દેખાય છે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે. આમાંથી, કેકેઆર 21 વખત જીત્યું છે. જ્યારે આરસીબી 14 વખત જીત્યું છે. છેલ્લી 10 મેચોમાં, બંને ટીમો 5-5 મેચ જીતીને બરાબરી પર છે.
આઈપીએલમાં નવા બે નિયમ ગેમ ચેન્જર સાબિત થશે?
આઇપીએલની આ સિઝનમાં બોલ પર થૂંક લગાવવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.આઈસીસીએ કોરોના રોગચાળા દરમિયાન સાવચેતી તરીકે બોલ પર થૂંક લગાવવાની વર્ષો જૂની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ વર્ષ 2022માં આઈસીસીએ આ પ્રતિબંધ કાયમી કરી દીધો હતો. આઇપીએલ એ કોરોના પછી પણ આ પ્રતિબંધ કાયમી રાખ્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.આ સાથે અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ દરમિયાન બીજો નવો બોલ લેવાનો એક નિયમ બનાવ્યો છે. તે હેઠળ મેચની બીજી ઈનિંગ દરમિયાન 11 ઓવર બાદ નવો બોલ લઈ શકાશે. આ નિયમ રાતના સમયે મેચમાં ઝાકળ એટલે કે ડ્યુના પ્રભાવને જોતા લેવામાં આવ્યો છે. ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરનારી ટીમને વધુ ફાયદો ન થાય તે માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.
કોહલીનો એક સીઝનમાં સૌથી વધુ 973 રનનો રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આઇપીએલમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો અશક્ય લાગે છે. આ રેકોર્ડ 9 વર્ષથી અતૂટ રહ્યો છે. આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેને આ સિદ્ધિ 2016 માં મળી હતી. ત્યારબાદ કોહલીએ 4 સેન્ચુરી અને 7 ફિફ્ટી ફટકારી હતી. જોકે, ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા શુભમન ગિલે 2023ની સિઝનમાં 890 રન બનાવ્યા હતા. તે આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયો હતો.
જીયોસ્ટારને આઇપીએલ દરમિયાન રેકોર્ડબ્રેક રૂ.4500 કરોડની જાહેરાતની આવકનો લક્ષયાંક
આજથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 જાહેરાત આવકના સંદર્ભમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે તૈયાર છે, જેમાં બ્રોડકાસ્ટર જિયોસ્ટાર રૂ. 4,500 કરોડનો રેકોર્ડનો લક્ષ્યાંક ધરાવે છે, તેણે પહેલાથી જ 32 સ્પોન્સરશિપ સોદાઓ મેળવ્યા છે અને અંતિમ તબક્કામાં ઘણા વધુ સોદાઓ મળશે, સાથે જ કંપની ડાયરેક્ટ સાઇન-અપ્સ અને ટેલિકોમ-બંડલ્ડ સોદાઓ દ્વારા તેના પેઇડ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રાઇબર્સને 100 મિલિયન સુધી વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે, એમ તેમણે ઉમેર્યું. ક્રિકેટ માટે હાઇબ્રિડ સ્ટ્રીમિંગ મોડેલ પર સ્વિચ અને સ્ટાર સ્પોર્ટ્સના આક્રમક સીડિંગને કારણે તે ઉદ્યોગના પે-ટીવી બેઝમાં ઉછાળા પર પણ નજર રાખી રહી છે. સ્ટાર ઇન્ડિયા અને વાયાકોમ18 ના હાઇ-પ્રોફાઇલ મર્જર પછીના પ્રથમ આઇપીએલ તરીકે, તેણે ટીવી અને ડિજિટલ ક્ષેત્રે મુખ્ય પ્રાયોજકો સાથે કરાર કર્યા છે, જેમાં માય ઇલેવન સર્કલ, બિરલા ઓપસ, ફોનપે, બ્રિટાનિયા, વોલ્ટાસ,થમ્સ અપ, ડ્રિમ ઇલેવન અને અમુલ સહિતની જાહેરાતનો સમાવેશ થાય છે. ગયા વર્ષે, ટીવી અને ડિજિટલ પર જાહેરાત આવક આશરે રૂ. 4,000 કરોડ હતી.જે વધીને આ વર્ષે 4500 કરોડને પાર જશે તેવી ધારણા છે. ટીવી માટે આઇપીએલ જાહેરાત પેકેજો 40 કરોડ રૂપિયાથી 240 કરોડ રૂપિયા સુધીના છે. જીઓસ્ટાર પ્લેટફોર્મ પાસે હાલમાં 62 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે, જે 14 ફેબ્રુઆરીએ મર્જ કરેલા પ્લેટફોર્મના લોન્ચ સમયે 50 મિલિયન હતા.
સૌથી ઝડપી ફિફટી બનાવવાનો રેકોર્ડ યશસ્વીના નામે
આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલના નામે છે. 11 મે 2023ના રોજ, તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. યશસ્વીએ પોતાની ફિફ્ટી 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને કરી હતી.
આજના પ્રથમ મેચમાં જ કોલકતામાં વરસાદનું જોખમ
આઇપીએલ વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સીઝનની પહેલી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે ટકરાવા તૈયાર છે. ઓપનિંગ સેરેમની માટે પણ કાર્યક્રમ નક્કી કરી દેવાયા છે. જેમાં દિશા પટાની અને શ્રેયા ઘોષાલ જેવા કલાકાર પર્ફોમન્સ આપશે.આ સીઝનની પહેલી મેચ સંપૂર્ણ રીતે રદ થવાનું જોખમ છે કેમ કે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારથી રવિવાર સુધી દક્ષિણ બંગાળમાં વાવાઝોડું અને વરસાદની ભવિષ્યવાણી કરી છે. આઇપીએલ 2025ની મેચના પહેલા દિવસે 22 માર્ચ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે રવિવાર માટે યલો ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. એક્યુવેધર અનુસાર શનિવારે કોલકાતામાં વરસાદની 74% શક્યતા છે, જ્યારે વાદળ છવાઈ રહેવાની શક્યતા 97% છે. સાંજે વરસાદની શક્યતા 90% સુધી થઈ જશે.
હવે વાઈડ અને નો બોલ પર નહીં થાય કોઈ વિવાદ!
બીસીસીઆઈ લાવી નવી ટેકનિક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પુરજોશમાં કોશિશ કરી રહી છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આઉટ-નોટ આઉટ કે અન્ય નિર્ણયોમાં ભૂલનો કોઈ અવકાશ ન રહે. હવે બીસીસીઆઇ એ શોર્ટ બોલ પર નો-બોલ કે વાઈડનો નિર્ણય લેવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. જ્યારે બેટર ક્રીઝની અંદર ઊભો હોય છે, ત્યારે તેની કમરની ઊંચાઈ, ખભાની ઊંચાઈ અને માથાની ઊંચાઈ માપ લેવામાં આવશે. આ ડેટાને સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે, જેને હોક-આઈ ઓપરેટર દ્વારા ઉપયોગ કરે છે. આ ઓપરેટર થર્ડ અમ્પાયર સાથે બેસે છે. જેથી કમરની ઊંચાઈના ફુલ-ટોસ બોલ, બાઉન્સર, નો બોલ અને વાઈડ બોલ શોધી કાઢશે. ખેલાડીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ ડેટા બેટિંગ કરતી વખતે ફુલ-ટોસ બોલ અને અન્ય નિર્ણયોનો લેવામાં મદદરૂપ થશે.
કોલકતા ટીમ સતત સૌથી વધુ મેચ જીતી છે
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આઈપીએલમાં કંઈક એવું કર્યું છે જે આજ સુધી કોઈ અન્ય ટીમ કરી શકી નથી. કોલકતા એ 2014 અને 2015 સીઝન વચ્ચે સતત 10 મેચ જીતી હતી. જે એક રેકોર્ડ છે. કોલકાતાએ 2014ની સિઝનમાં આ ખિતાબ જીત્યો હતો. જો જોવામાં આવે તો કોલકતાએ સતત 14 ટી20 મેચ જીતી છે. આઇપીએલ જીત્યા બાદ ચેમ્પિયન્સ લીગ ટી20માં પણ 5 મેચ જીતી હતી.