કુચીયાદળ પાસે ડમ્પર નીચે બાઇક સવાર કચડાતા મોત: ગોંડલ રોડ પર કારની ઠોકરે મહિલાનું મોત
શહેરમાં યમદુતનો પડાવ હોય તેમ જુદા જુદા ત્રણ સ્થળે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મહિલા સહિત ત્રણના કમકમાટી ભર્યા મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે. કુવાડવા પોલીસ મથક નજીક આઇસર અને ઇક્કો કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં આઇઓસીના કોન્ટ્રાકટરે જીવ ગુમાવ્યો છે. જ્યારે કુચીયાદળ પાસે ડમ્પર નીચે કચડાતા શ્રમજીવીનું અને ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાસે કારની ઠોકરે મહિલાનું મોત નીપજ્યા છે.
આ અંગેની પોલીસ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ છપ્પનીયા કવાર્ટર પાસે રહેતા આઇઓસીના કોન્ટ્રાકટર વિજય શિવનાથ પ્રસાદ (ઉ.વ.૩૫) પોતાની ઇક્કો કાર લઇને કુવાડવા પોલીસ મથક પાસેથી પસાર થતા હતા ત્યારે આઇસર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઇ પ્રસાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જ્યારે કુવાડવા નજીક આવેલા રામપર બેટી ગામે રહેતા જગદીશભાઇ સુરાભાઇ ભલગામડીયા પોતાના ભત્રીજા દલસુખ લક્ષ્મણભાઇ સાથે બાઇક પર કુવાડવા જઇ રહ્યા હતા ત્યારે કુચીયાદળ નજીક પહોચ્યા ત્યારે ડમ્પરના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા જગદીશભાઇ ભલગામડીયાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
ગોંડલ રોડ પર સવાનંદ માર્બલમાં કામ કરતા કેરલીયાબેન પદન તેલી નામની ૫૨ વર્ષની નેપાળી મહિલા પોતાના પુત્ર ગગનબહાદુર પદમબહાદુર સાથે રસ્તો ઓળંગતી હતી ત્યારે પુર ઝડપે ઘસી આવેલી કારના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી કેરલીયાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે.