ગેરકાયદે ચાલતી રેતી ચોરી ઉપર ખનીજ અને પોલીસ વિભાગની રેડ પડ્યા બાદ મુખ્ય આરોપી એવા બે શખ્સોને ઉઠાવી લીધા બાદ છોડી દેવાયા, બાદમાં મહોરા ગણાતા બે શખ્સોને આગળ ધરી દેવાયા
પડધરીમાં રેતી ચોરીના પ્રકરણમાં હોટેલ સંચાલક સહિતના બે શખ્સોની સંડોવણી હોવાનું સ્પષ્ટ થયું છે. છતાં તેઓના નામ ચોપડે ચડ્યા નથી. ગેરકાયદે ચાલતી રેતી ચોરી ઉપર ખનીજ અને પોલીસ વિભાગની રેડ પડ્યા બાદ મુખ્ય આરોપી એવા બે શખ્સોને ઉઠાવી પણ લેવાયા હતા. પણ બાદમાં છોડી દેવાયા હતા. ત્યારબાદ મહોરા ગણાતા બે શખ્સોને આગળ ધરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પડધરીના હરિપર ખારી ગામે ડોંડી નદીના પટમાં ઓચિંતી તપાસ દરમિયાન બે અલગ અલગ જગ્યા ઉપર બાર્જ તથા નાવડી દ્વારા સાદી રેતી ચોરીનું કારસ્તાન ખાણ ખનીજ વિભાગે પકડી પાડ્યું છે. સરકારી તંત્રએ 3 બાર્જ, 2 નાની નાવડી અને એક જનરેટર જપ્ત કર્યું છે.
તપાસ દરમિયાન હાજર શ્રમિકોને બિન અધિકૃત રેતી ચોરી અંગે પૂછતાં આ ખોદકામ અજિત પટેલ રહે. પડધરી તથા ખોડિયાર હોટેલવાળા શખ્સ અને અન્ય કોઈ શખ્સ દ્વારા કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. આ સાથે નાવડીના માલિક યજ્ઞદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર રહે. મૂળી નાઇણીયા તા. મૂળી જી.સુરેન્દ્રનગર હોવાનું માલુમ પડ્યું છે. જો કે હાલ ચોપડે યજ્ઞદીપસીહ અને અજિત પટેલનું નામ જ ચોપડે બોલાઈ રહ્યું છે.
હકીકતમાં આ કારસ્તાનમાં મુખ્ય બે આરોપીઓ છે તેઓનું નામ બહાર આવવા દેવાયું નથી. આ પ્રકરણમાં મહોરાઓને આગળ ધરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. જો ખાણ ખનીજ વિભાગ ફરિયાદી બનશે તો આ પ્રકરણમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તંત્રના દરોડાથી અનેક ભોભીતર થયા : રેતી ચોરી એકસામટે બંધ
પડધરી પંથકમાં સિઝન આવ્યે રેતી ચોરી બેફામ થાય છે. ખુલ્લેઆમ રેતી ચોરી કરી સટ્ટાઓ લાગે છે. પણ આ સીઝનમાં ખાણ ખનીજ અને પોલીસે રેઇડ પાડતા ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ કરતા શખ્સો ભોભીતર થઈ ગયા છે. હાલ પડધરી પંથકમાં રેતી ચોરી એકસામટે બંધ પણ થઈ ગઈ છે. આમ તંત્રની કામગીરી સારાહનિય પણ રહી છે.