શેરબજારમાં સતત તેજી રહ્યા બાદ આજે થોડી વોલેટાલીટી : એકંદરે શ્રેષ્ઠ પ્રદર્શન
ફુગાવાના મોરચે રાહત અને અમેરિકન બજારોમાં સકારાત્મક વલણને કારણે ભારતીય શેરબજારોમાં ગઈકાલ સુધી સર્વાંગી તેજી જોવા મળી હતી. જ્યાં સેન્સેક્સ 418 પોઈન્ટ ચઢ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 18,700 ને પાર ગયો. સૌથી વધુ ઉછાળો રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ શેરોમાં જોવા મળ્યો હતો. જેના કારણે આજે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 2.07 લાખ કરોડનો વધારો થયો છે.
ગઈકાલે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. સૌથી વધુ ઉછાળો રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ શેરોમાં જોવા મળ્યો હતો. આ સિવાય મેટલ અને ફાર્મા શેરના સૂચકાંકો પણ 1%થી વધુના વધારા સાથે બંધ થયા છે. બ્રોડર માર્કેટમાં પણ તેજીનું વલણ હતું. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 1.17% અને 0.82% ના વધારા સાથે બંધ થયા હતા.
કારોબારના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે 30 શેરો વાળો સૂચકાંક સેન્સેક્સ 418.45 પોઈન્ટ્સ અથવા 0.67 ટકા વધીને 63,143.16 પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 114.65 પોઈન્ટ અથવા 0.62 ટકાના વધારા સાથે 18,716.15 ના સ્તર પર બંધ થયો હતો.
બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે સોમવાર 12 જૂનના રોજ રૂ. 287.92 લાખ કરોડથી વધીને 13 જૂને રૂ. 289.99 લાખ કરોડ થઈ હતી. આ રીતે, બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 2.15 લાખ કરોડનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 2.07 લાખ કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સના 30માંથી 19 શેરો તેજી સાથે બંધ થયા હતા. આમાં પણ આઇટીસીના શેરમાં સૌથી વધુ 1.92 ટકાનો વધારો નોંધાયો હતો. આ પછી, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર્સ હતા અને 1.37% થી 1.85% સુધીના વધારા સાથે બંધ થયા હતા.
એમઆરએફ ટાયરના શેરનો ભાવ 1 લાખને પાર : વિશ્વના ટોપ 10માં પ્રવેશ
ભારતીય શેરબજારના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ શેર પ્રતિ શેર રૂ. 1 લાખના આંકને સ્પર્શ્યો છે અને તે એમઆરએફનો શેર છે. વિશ્વના 10 સૌથી મોંઘા સ્ટોકમાંથી, આ એકમાત્ર સ્ટોક છે જે ભારતનો છે. મદ્રાસ રબર ફેક્ટરી એટલે કે એમઆરએફનો એ આ કારનામું કર્યું છે. જોકે આ સ્ટોક પીઇ અનુસાર ભારતમાં સૌથી મોંઘો સ્ટોક નથી. આ સ્ટોકને કિંમતની દ્રષ્ટિએ સૌથી મોંઘા સ્ટોકનું બિરુદ મળ્યું છે. ગઈકાલે બજાર ખુલ્યાના થોડા સમય બાદ જ એમઆરએફના શેરે રૂ. 1,075.25 અથવા 1.09 ટકાના વધારા સાથે રૂ. 1,00,043.80નું સ્તર દર્શાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ શેરે વિશ્વના ટોપ 10 શેરમાં સ્થાન મેળવી લીધું છે.