પ્રોફીટ બુકીંગ અને કોરોના કેસ વધતાં ઓસ્ટ્રીયામાં લદાયેલા લોકડાઉનના કારણે સપ્તાહના પ્રથમ દિવસે બજાર પડીને પાદર: સેન્સેક્સમાં 1,624 અને 484 પોઇન્ટનો તોતીંગ કડાકો, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 25 પૈસા તૂટ્યો
ભારતીય શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી ચાલી આવતી એકધારી તેજી પર અચાનક બ્રેક લાગી જવા પામી છે. રોકાણકારોને પ્રોફીટ બુકિંગ સાથે વેચવાલીનો દૌર શરૂ કરતા અને કોરોના કેસ વધતાં ઓસ્ટ્રીયામાં લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આજે ઉઘડતાં સપ્તાહે જ ભારતીય શેરબજારમાં મંદીની જબ્બરદસ્ત સુનામી આવી છે. આજે સેન્સેક્સમાં 1,624 પોઇન્ટથી 484 પોઇન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોની અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે.
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ઉંધામાથે પટકાયો હતો. રોકાણકારો પ્રોફીટ બુકીંગ કરાવ્યા હોવાના કારણે આગામી દિવસોમાં પણ મંદીનો દૌર યથાવત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુલીયન બજારમાં આજે બે તરફી માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં એકધારી તેજી ચાલી આવતી હતી જેના કારણે સેન્સેક્સ 62,000ની સપાટી પણ ઓંળગવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 18,000ની સપાટી ઓંળગ્યા બાદ બજારમાં મંદીનો દૌર શરૂ થયો છે. આજે સેન્સેક્સ 58,000ની સપાટી તોડતા સહેજ બચ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે જ પ્રોફીટ બુકીંગનું દબાણ વધવાના કારણે આજે મુંબઇ શેરબજાર પડીને પાદર થઇ ગયું હતું.
એક તબક્કે સેન્સેક્સ 58,011ના લેવલે પહોંચી જતાં એવું લાગી રહ્યું હતું કે આજે સેન્સેક્સ 58,000ની સપાટી તોડી નાંખશે જો કે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 58,011.92ની સપાટીએ પહોંચ્યા બાદ મંદીએ થોડો પોરો ખાધો હતો. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 59,778.37 સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. આજે બજારમાં 1767 પોઇન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ આજે તોતીંગ ગાબડું પડ્યું હતું. ઇન્ટ્રા-ડે એક તબક્કે 17280 પોઇન્ટે પહોંચી જવા પામી હતી. આજે નિફ્ટીમાં 484 પોઇન્ટ ઉતાર-ચઢાવ રહ્યો હતો.
બૂલીયન બજારમાં બે તરફી માહોલ હતો. સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 25 પૈસા સુધીનો તૂટ્યો હતો. આજે મંદીની સુનામીમાં પણ ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઇન્ટ્સ અને બ્રિટાનિયા જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ અને ઓએનજીસી જેવી કંપનીના શેરોના ભાવમાં 6 ટકા જેટલો તોતીંગ કડાકો બોલી ગયો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે બપોરે 3:00 કલાકે સેન્સેક્સ 1321 પોઇન્ટના કડાકા સાથે 58314 નિફ્ટી 390 પોઇન્ટના કડાકા સાથે 17774 પોઇન્ટ કામકાજ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 25 પૈસાના નરમાઇ સાથે 74.48 પર ટ્રેડ કરી રહ્યો છે.