અનિલ અંબાણી પર છવાયા સંકટનાં વાદળો: રોકાણકારોએ તેનાં ૯૦ ટકા શેરનાં રૂપિયા એડીએજી ગ્રુપની ૩ કંપનીઓમાં ગુમાવ્યા
અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપ ઓફ કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં કંપનીનાં વિવિધ શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી અને તેઓએ જો કંપનીની અને તેમનાં નાણાની સ્થિતિ નહીં સુધરે તો તેમનાં પર કેસ કરવાની ચીમકી પણ આપી હતી. વાત સામે આવે છે કે એડીએજી ગ્રુપની દિન-પ્રતિદિન સ્થિતિ કથળતી જોવા મળી રહી છે ત્યારે રોકાણકારો દ્વારા જે શેરોમાં રોકાણ કરવામાં આવ્યા છે તેમાં અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે. જેનાં પરિણામ સ્વરૂપે રોકાણકારોમાં ભારે રોષ વ્યાપી ઉઠયો હોય તેવું લાગી રહ્યું છે.
રિલાયન્સ કોમ્યુનિકેશન રિલાયન્સનાં અન્ય શેરોની સરખામણીમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જેમાં રિલાયન્સ પાવરનો પણ સમાવેશ થઈ રહ્યો છે. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કંપની પહેલેથી જ નુકસાનીમાં જીવી રહી હોવાથી રોકાણકારો દ્વારા જે ભરોસો મુકવામાં આવ્યો હતો તેને પરીપૂર્ણ કરવા માટે અનિલ અંબાણી અસમર્થ નિવડયા છે ત્યારે જોવાનું એ રહ્યું કે, એડીએજીની સ્થિતિમાં સુધારો આવશો કે કેમ ? જો એડીએજી ગ્રુપ ઓફ કંપનીઝ જો તેની કંપનીની સ્થિતિ નહીં સુધારે તો રોકાણકારો કંપની અને કંપની ચેરમેન વિરુઘ્ધ એફઆઈઆર દર્જ કરાવશે. દેવાના સંકટમાં ઘેરાયેલી અનિલ અંબાણી સંચાલિત કંપની રિલાયન્સ કેપિટલ ડિસેમ્બરથી પોતાની બે સબ્સિડરી કંપનીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બંને કંપનીઓ ફાયનાન્સના કામકાજ સાથે જોડાયેલી છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. રિલાયન્સ કેપિટલની બે ફાયનાન્સિંગ કંપનીઓ રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ તથા રિલાયન્સ હોમ ફાયનાન્સની કુલ સંપત્તિ ૨૫ હજાર કરોડ રૂપિયા છે. આ બંને કંપનીઓ પર તાળાં લાગવાથી હજાર લોકો નોકરીઓ ગુમાવશે. બે વર્ષ પહેલા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર તાળાં લાગ્યા બાદ અનિલ અંબાણીનો આ બીજો મોટો બિઝનેસ છે, જે બંધ થવા જઈ રહ્યો છે. અંબાણી ડિફેન્સ બિઝનેસ રિલાયન્સ નેવલ પણ ભારે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે.
અનિલ અંબાણીએ કંપનીની વાર્ષિક બેઠકમાં કહ્યું કે, બિઝનેસ, ટ્રાન્સફોર્મેશન અંતર્ગત રિલાયન્સ કેપિટલે લેન્ડિંગ (લોન આપનારા) બિઝનેસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. અમારા બંને બિઝનેસ રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ અને રિલાયન્સ હોમ ફાયનાન્સ અમારા તમામ લેન્ડર્સ સાથે મળી કામ કરી રહ્યાં છે અને અન્ય હિતધારક રિઝોલ્યૂશન પ્લાનને અંતિમ રૂપ આપશે, જે ડિસેમ્બર પૂરું થઈ જવાની આશા છે. તેમણે કહ્યું કે, લેન્ડિંગ બિઝનેસના બંધ ગયા પછી પણ રિલાયન્સ કેપિટલ આ કંપનીઓની ફાયનાન્શિયલ શેર હોલર તરીકે યથાવત રહેશે જેથી નવા મેનેજમેન્ટ અંતર્ગત શેરહોલ્ડર વેલ્યૂમાં વધારો થાય તથા રિલાયન્સ કેપિટલનું દેવુ ૨૫ હજાર કરોડથી નીચે આવી શકે. ૧૯૮૬માં લોન્ચ થયેલી રિલાયન્સ કેપિટલમાં આશરે ૧૫ હજાર કર્મચારીઓ કામ કરે છે. કંપની પાસે મ્યૂચુઅલ ફંડ અને બે વીમા કંપનીઓ પણ છે, જેમાં જાપાની કંપની નિપ્પોનની ૪૩ ટકા ભાગીદારી છે, જે પહેલા ૪૯ ટકા હતી.