કોરોનાગ્રસ્ત બજાર ICUમાં, લોઅર સર્કિટ લાગી
૪૫ મિનિટના વિરામ બાદ શરૂ થયેલા સેન્સેકસમાં ૩૧૦૦ પોઈન્ટનું ગાબડુ: નિફટીએ ૮૦૦૦ અંકનો સપોર્ટ તોડ્યો
દેશમાં કોરોનાના કહેરના કારણે કરોડો લોકોના જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. ઈટાલી અને ચીનમાં તબાહી મચાવનાર વાયરસથી લાખો લોકોના ભારતમાં પણ મોત નિપજે તેવી ભીતિ સેવાઈ રહી છે. સતત બે દિવસથી પોઝીટીવ કેસની સંખ્યા વધવા પામતા રોકાણકારોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પરિણામે શેરબજારમાં ફરીથી લોઅર સર્કિટ લાગી છે. આજે બજાર ખુલતાની સાથે જ ૨૫૦૦ પોઈન્ટ તૂટી ગયું હતું. ત્યારબાદ પણ વેચવાલીનું તોફાન આવતા બજારમાં ૩૦૦૦ પોઈન્ટનું ગાબડુ પડ્યું હતું. ૧૦ ટકા જેટલું બજાર તૂટી જતા લોઅર સર્કિટ લાગી હોવાની ભીતિ વચ્ચે ૪૫ મીનીટ સુધી ટ્રેડીંગ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. છેલ્લા એક મહિનાની અંદર બજારમાં વારંવાર પડેલા ગાબડાના કારણે રોકાણકારોની હાલત ખુબજ ખરાબ થઈ ચૂકી છે. બેંકો, રીયાલીટી, ફાઈનાન્સ, એનર્જી, આઈટી અને ટેકનો સહિતના ક્ષેત્રની કંપનીઓના શેરમાં ભારે ગાબડા પડ્યા છે. આ લખાય છે ત્યારે બજારમાં લોઅર સર્કિટ બાદ ફરીથી પ્રિ ઓપનીંગ થઈ રહ્યું છે. પ્રિ ઓપનીંગમાં માર્કેટ ફરી ઉપર આવવા પ્રયત્ન કરી રહ્યું હોવાનું ફલીત થાય છે. નોંધનીય છે કે, બજારમાં શોર્ટ સોદા રોકવા માટે તાજેતરમાં સેબી દ્વારા સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. ઈન્ટ્રાડેની લીમીટ ઘડાડવાની સહિતના પગલા લેવામાં આવ્યા હતા. અલબત સેબીના પગલા કારગત ન નિવડયા હોવાનું સામે આવે છે. વર્તમાન સમયે રોકાણકારોને માર્કેટથી દૂર રહેવું જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે. જો મુડી રોકાણની ક્ષમતા હોય તો નાના-નાના કટકે માર્કેટમાં રોકાણ કરવું જોઈએ તેવું પણ કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે. દેશમાં કોરોના વાયરસના કેસ વધવા સાથે ફફડાટ વધી જતાં બીએસઈ સેન્સેકસ આજે અપેક્ષા અનુસાર ગેપમાં નીચે ખુલ્યો હતો. ખુલ્યા બાદ ૨૫૦૦ પોઈન્ટ જેટલું ગાબડુ જોવા મળ્યું હતું. જ્યારે નિફટી પણ ૮૦૦૦ની સપાટી નજીક આવી જતાં રોકાણકારોના શ્ર્વાસ અદ્ધર થઈ ગયા હતા. આજે સવારથી જ સાર્વત્રીક વેચવાલીથી બજારમાં સોંપો પડી ગયો હતો. રિયલટી, બેંક, ફાઈનાન્સ, એનર્જી, ઓઈલ-ગેસ, ઓટો, આઈટી અને ટેકનોને લગતી
કંપનીના શેરોમાં ધૂમ વેંચવાલી જોવા મળી હતી. આજે સવારે લગભગ તમામ ઈન્ડાઈસીસ રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા. ત્યારબાદ ૧૦ ટકા સુધી સેન્સેકસ તૂટી પડતા લોઅર સર્કિટ લાગી હતી અને બજારને પડતું અટકાવવાના પ્રયત્નો સેબી દ્વારા થયા હતા.
આ લખાય છે ત્યારે બપોરે ૧૦:૫૮ કલાકે સેન્સેકસ રિઓપન થઈ ચૂકયું છે. ૩૧૯૦ પોઈન્ટનું તોતીંગ ગાબડુ સેન્સેકસમાં જોવા મળ્યું છે. લોઅર સર્કિટ લાગ્યા બાદ થોડા સમય માટે ટ્રેડીંગ બંધ રખાયા છતાં સેન્સેકસ ફરીથી નીચે પડી રહ્યો છે. નિફટી-ફીફટીમાં પણ ૯૧૦ પોઈન્ટનું ગાબડુ પડી ગયું છે. નિફટી ૮૦૦૦ની સપાટી તોડી ૭૮૩૨ના આંક નજીક ટ્રેડ થઈ ર્હયો છે. બેંક નિફટીની હાલત પણ ખરાબ છે. બેંક નિફટીમાં ૧૪.૨૨ પોઈન્ટનું ગાબડુ પડતા રોકાણકારો તોબા પોકારી ચૂકયા છે.
એકસીસ બેંક, ઈન્ડુસીન્ડ બેંક, ઓએનજીસી અને અદાણી પોર્ટ સહિતની કંપનીના શેરમાં આ લખાય છે ત્યારે ૧૮ ટકાનો ગાબડુ પડી ચૂકયું છે. આ ઉપરાંત એશીયન પેઈન્ટ, બજાજ ઓટો, ભારતી એરટેલ, ઈન્ફ્રાટેલ, કોટક બેંક, મારૂતી, ઓએનજીસી, ટાટા સ્ટીલ, ટાઈટન, અલ્ટ્રા ટેક, વેદાંતા અને જીલ સહિતના શેરોમાં ૧૦ ટકા સુધીનો કડાકો બોલી ગયો છે.