સેન્સેક્સે 62201.72 અને નિફટીએ 18604.45નું નવું શિખર હાસલ ર્ક્યું: રોકાણકારોમાં ખુશીના ઘોડાપુર
અબતક, રાજકોટ: ભારતીય રોકાણકારોને દિવાળીના એક પખવાડીયા પહેલા દિવાળી આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એકધારા તેજીના ટ્રેક પર સવાર થઈ પુરપાટ ઝડપે દોડી રહેલો આંખલો આજે વધુ વેગવાન બન્યો હોય તેમ ઉઘડતી બજારે સેન્સેકસે 62000ની સપાટી ઓળંગી હતી. દિવાળી સુધીમાં સેન્સેક્સ 63,000ને પાર થાય તેવી સંભાવના પણ હાલ નકારી શકાતી નથી. આજે સેન્સેક્સ અને નિફટી બન્નેએ નવા સીમાચિહ્નો હાંસલ ર્ક્યા હતા. બજારમાં પણ તેજી જોવા મળી હતી. મંગળવાર ભારતીય રોકાણકારો માટે મંગલકારી સાબીત થયો હતો. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો ફલેટ રહ્યો હતો.
ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસથી શેરબજારમાં શરૂ થયેલી તેજી આજે બીજા દિવસે પણ બરકરાર રહેવા પામી હતી. ગત સપ્તાહે 61,000ની સપાટી ઓળંગનાર સેન્સેક્સ ગઈકાલે જ 62,000ની સપાટીને હાસલ કરવા સતત મથામણ કરતો જોવા મળ્યો હતો. દરમિયાન આજે ઉઘડતી બજારે જ સેન્સેક્સે 62,000ની સપાટી કુદાવી એક નવું સિમાચિહ્ન હાંસલ કરી લીધુ છે. આજે સેન્સેક્સે 62,201.72 અને નિફટીએ 18,604.45ના નવા લાઈફટાઈમ હાઈ બનાવ્યા હતા. આજની તેજીમાં નિફટી મિડકેપ ઈન્ડેક્ષ અને બેંક નિફટીમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. લાર્સન એન્ટ ટુર્બો, ટેક મહિન્દ્રા, વિપ્રો અને એચયુએલ જેવી કંપનીના શેરોના ભાવમાં 3 ટકાથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
જ્યારે તેજીમાં પણ આઈટીસી, અલ્ટ્રા ટેક સીમેન્ટ, આઈસર મોટર્સ અને ટાઈટન જેવી કંપનીમાં કડાકો બોલી ગયો હતો. સામાન્ય રીતે જ્યારે શેરબજારમાં તેજી હોય ત્યારે બુલીયન બજારમાં મંદીનો માહોલ જોવા મળતો હોય છે પરંતુ આજે શેરબજાર સાથે બુલીયન બજાર પણ તેજીના ટ્રેક પર સવાર થયેલું જોવા મળ્યું હતું. સોનુ અને ચાંદી બન્ને ગ્રીન ઝોનમાં કામકાજ કરી રહ્યાં હતા. છેલ્લા ઘણા સમયથી અમેરિકી ડોલર સામે સતત તૂટી રહેલા ભારતીય રૂપિયામાં આજે થોડી રાહત જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો ફલેટ કારોબાર કરી રહ્યો છે. સપ્તાહના બીજા દિવસે પણ તેજી જળવાઈ રહેતા એવું માનવામાં આવી રહ્યું છે કે ચાલુ સપ્તાહે તમામ સેશનમાં તેજી યથાવત રહેશે. દિવાળી સુધીમાં સેન્સેક્સ 63000નું નવું શિખર હાસલ કરી લે તેવી સંભાવના પણ જાણકારો વ્યકત કરી રહ્યાં છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 422 પોઈન્ટના ઉછાળા સાથે 62188 અને નિફટી 114 પોઈન્ટના ઉછાળા સાથે 18591 પર કામકાજ કરી રહ્યાં છે.