ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉંઘા માથે પટકાયા: નીફટીએ 16 હજારનું લેવલ તોડયું: ડોલર રેકોર્ડ બ્રેક સપાટીએ

ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી મંદી આજે વધુ વિકરાળ બની હતી. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ભીષણ યુઘ્ધના કારણે વિશ્ર્વભરમાં મોંધવારીનો રાક્ષસ બેફામ બની ધુણી રહ્યો છે જેના કારણે વૈશ્ર્વિક બજારોમાં મહામંદી ફરી વળી છે. આજે ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસ સેન્સેકસ અને નિફટી ઉંઘા માથે પટકાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ રેકોર્ડ બ્રેક નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.

રોકાણકારોના અબજો રૂપિયાનું ઘોવાણ થઇ ગયું છે.ભારતીય શેરબજારમાં આજે મંદીની સુનામી ફરી વળી હતી ઉધડતી બજારે નિફટીએ 16 હજારની સપાટી તોડી હતી. ઇન્ટ્રાડેમાં સેન્સેકસ 53047.75 ની સપાટીએ પહોંચી ગયો હતો. જયારે નીફટી 15848.10 ની નીચલી સપાટી સુધી પહોંચી ગઇ હતી. સતત મંદીના પગલે રોકાણકારોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. રૂપિયો પણ ડોલર સામે સતત તુટી રહ્યો હોવાના કારણે આગામી દિવસોમાં મોંધવારી વધુ વકરે તેવી દહેશત પણ ઉભી થવા પામી છે.

આજે મહામંદીમાં પણ ઇન્ડિયા પુલ હાઉસીંગ, ગુજરાત ગેસ, આઇઓસી, શ્રીદેશ ફાર્મા જેવી કંપનીના શેરોના ભાવ ઉંચકાયા હતા. જયારે રીલાયન્સ, બજાજ ફાઇનાન્સ, એચ.ડી.એફ.સી. બેન્ક, ટાટા મોટર્સ, પીએનબી, હિન્ટાલકો, જીએસપીસી અને જીન્દાલ સ્ટીલ જેવી કંપનીના શેરોના ભાવમાં તોતીંગ કડાકો બોલી ગયો હતો.આ લખાય રહ્યું છે ત્યારે  સેન્સેકસ 834 પોઇન્ટના ઘટાડા સાથે 53254 અને નીફટી 275 પોઇન્ટના કડાકા સાથે 15892 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 34 પૈસાના ઘટાડા સાથે 77.58 પર ટ્રેક કરી રહ્યો છે.ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી એકધારી મંદી ચાલી રહી છે વિશ્ર્વભરમાં મોંધવારી નામનો રાક્ષસ બેફામ બન્યો છે. આવામાં આગામી દિવસોમાં પણ બજારમાં મહામંદી યથાવત રહે તેવી દહેશત પણ જાણકારો વ્યકત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.