આયાત બિલ ઘટાડવું, ફોલાદી મજબુતી, વેલ્યુ એડિશન (મુલ્યવર્ધન), બીનજરૂરી ભારણ ઘટાડવું, સ્વાસ્થ્ય-સારવાર, માળખાગત સુવિધાઓ સહિતના અર્થતંત્રના છ સ્તંભો બુનિયાદી મજબૂતી લાવશે
સેન્સેકસે પહેલીવાર 51 હજારની સપાટી વટાવી, નિફ્ટી 15 હજારને પાર: બેન્કિંગ શેરોમાં સૌથી વધારે તેજી
આયાત બિલ ઘટાડવું, ફોલાદી મજબુતી, વેલ્યુ એડિશન (મુલ્યવર્ધન), બીનજરૂરી ભારણ ઘટાડવું, સ્વાસ્થ્ય-સારવાર, માળખાગત સુવિધાઓ સહિતના અર્થતંત્રના છ સ્તંભો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી આર્થિક ક્ષેત્રે મજબૂત વિશ્વગુરુ બનાવા માટે ભારતે મહાપ્રયાણ કર્યું છે. જેની અસર શેરબજાર ઉપર પણ થઈ છે. અર્થતંત્રના આ છ સ્તંભો બુનિયાદી મજબૂતી આપે છે માટે વિદેશી મૂડી રોકાણકારો આગામી દિવસોની અર્થતંત્રની ભવ્ય ઈમારતમાં રોકાણ કરવા તરફ આકર્ષાયા છે. થોડા સમય પહેલા મોટા પ્રમાણમાં વિદેશી રોકાણકારોએ પોતાનું મૂડીરોકાણ કર્યું હતું. હવે તેઓ શેરબજારમાં બેગણું મૂડી રોકાણ કરશે. શેરબજાર અત્યારથી જ ટનાટન રહ્યું છે. પહેલાં સતત ચાર દિવસથી શેર બજાર તેજી સાથે બંધ થયું છે.
નાણાં નીતિની સમીક્ષા કરવા રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક પહેલા આજે સેન્સેક્સે પહેલીવાર 51 હજારની સપાટી ક્રોસ કરી છે. આ સિવાય નિફ્ટીએ પણ 15 હજારની સપાટી ક્રોસ કરી છે. હાલ સેન્સેક્સ 439 પોઈન્ટ વધીને 51,053ની સપાટીએ પહોંચી ગયો છે. બજારની તેજીમાં બેન્કિંગ શેર સૌથી આગળ છે. તેના કારણે નિફ્ટી સરકારી બેન્કોના ઈન્ડેક્સમાં 6.77%ની તેજી જોવા મળી છે. તેમાં એસબીઆઈના શેર સૌથી વધુ 13% તેજી સાથે વેપાર કરી રહ્યા છે.
બજેટ પહેલાં શેરબજારમાં સતત 6 દિવસનો ઘટાડો આવ્યો હતો. પણ બજેટ બાદથી તેમાં સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ગઈકાલે 358.54 અંક એટલે કે 0.71 ટકાની તેજી સાથે 50614ના અંકના નવા શિખરે પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 106 અંક એટલે કે 0.7 ટકાની તેજી સાથે 14896 અંકના નવા રેકોર્ડ પર પહોંચી ગયો હતો. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનું માર્કેટ કેપ પહેલીવાર રૂપિયા 200 લાખ કરોડની સપાટી વટાવીને રૂપિયા 2,00,47,191.31 ઉપર પહોંચ્યું હતું.
મોદી સરકાર કોરોના મહામારીથી અસરગ્રસ્ત એકમોની રિકવરી અને આર્થિક ગ્રોથ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નીતિ ઘડતર પણ ઇકોનોમીને અનુલક્ષીને થાય છે. આવી સ્થિતિમાં ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોનું ધ્યાન વધુ ખેંચાય છે.
દરમિયાન ગત સપ્તાહમાં બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે અપેક્ષિત મોટું કરેકશન જોવાયા બાદ ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ફંડોએ શેરોમાં આક્રમક તેજી ચાલુ રાખી હતી. બેંકિંગ-ફાઈનાન્શિયલ ક્ષેત્રે બજેટમાં અપાયેલા પ્રોત્સાહનોની પોઝિટીવ અસર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ માટે રૂ.35,000 કરોડની ફાળવણી અને અન્ય જોગવાઈઓ તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે પ્રોત્સાહનોની પોઝિટીવ અસરે ફંડોએ શેરોમાં તેજી કરી હતી. ભારતીય શેરબજારમાં માત્ર ચાર દિવસમાં અંદાજીત 9.35%થી વધુની બજેટ રેલી જોવા મળી છે.
વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો નો પ્રવાહ વર્ષ 2013 બાદ પહેલી વખત સૌથી વધુ જોવા મળ્યો છે. વર્તમાન નાણાંવર્ષ 2020-21માં ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈએ અત્યારસુધીમાં અંદાજીત 31.70 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જે 2012-13ના નાણાં વર્ષમાં ઠલવાયેલા 25.80 અબજ ડોલર બાદ સૌથી વધુ છે. દેશમાં કોરોનાવાઈરસને લગતા લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ અને કોરોના વેકસિનમાં સફળતા બાદ ઉપભોગતાના માનસમાં પણ સુધારો થતા સેવા ક્ષેત્રે માગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
દેશની તિજોરી ઉપર સૌથી મોટો ભાર આયાત બિલનો છે. આયાત બિલ ઘટાડવા માટે સરકારે જુના વાહન ભાંગવાની નીતિ ઘડાઈ છે. ઉપરાંત ઇ વાહનોને પ્રોત્સાહન અપાયું છે. ઇંધણમાં ઇથેનોલ પણ મિશ્રિત કરવામાં આવે છે. બીજો સ્તંભ ફોલાદી મજબૂતીનો છે, સ્ટીલ, કાચું લોખંડ અને કોપર સહિતની ધાતુઓમાં આત્મનિર્ભર થવું પડશે ધાતુઓ સાથે સંકળાયેલા ઉદ્યોગ માટે રો મટીરીયલ સરળતાથી વસ્તુ મળી રહે તે માટે બજેટમાં જોગવાઈ થઈ છે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સેમી, ફ્લેટ અને એલોય, સ્ટેનલેસ સ્ટીક જેવા ઉત્પાદનો ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. ફોલાદી મજબૂતી માટે આત્મનિર્ભરતા લાવવી જરૂરી છે.
કોઈ કાચા ઉત્પાદનને પ્રોસેસ કરી, તેની વેલ્યુ વધારી બજારમાં વેચવામાં વધુ આર્થિક ફાયદો છે. માટે કોઈ એક સ્થળે જ ચોક્કસ ઉદ્યોગો સ્થપાય ને ત્યાંજ તમામ પ્રોસેસ ઉપલબ્ધ હોય તેવા પાર્ક બનાવવામાં આવશે. બજેટમાં 7 ટેકસટાઇલ પાર્કનું નિર્માણ થશે. આવી રીતે વેલ્યુ એડિશન પણ મહત્વનો ભાગ ભજવશે.
બીનજરૂરી ભારણ ઘટાડવું પડશે. ધોળા હાથી સમાન અનેક સેક્ટર છે જે સરકારને કમાઈને આપતા નથી બેંકીંગ ઓઈલ સહિતના સેકટરમાં કેટલીક જાહેર કંપનીઓ કંઇ ખાસ ઉકાળી શકી નથી. માટે આવુ બિન જરુરી ભારણ ઘડવામાં આવે તે જરૂરી છે. તબકકાવાર રોકાણ ઘટાડવામાં આવશે. આ તમામ પાસાઓને ધ્યાને લઇ રોકાણકારો બુનિયાદી તંદુરસ્તી તરફ આકર્ષિત થયા છે. આરોગ્ય મુદ્દે બેદરકારીથી દેશમાં વર્ષે દાડે કરોડો રૂપિયાની માનવ કલાકો બગડે છે. ઉપરાંત અલગ અલગ યોજનાઓમાં સરકાર દ્વારા ખર્ચ પણ અધધધ થઈ છે. જેથી આવો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ થશે જેના અનુસંધાને વીમા સેકટરમાં 74 ટકા એફડીઆઇને મંજૂરી અપાઈ છે. જે ખર્ચનું ભારણ ઘટાડશે.