દિવાળીના તહેવારમાં જ શેરબજારમાં પરત ફરતી તેજી: નિફટીમાં પણ 257 પોઈન્ટનો ઉછાળો, ડોલર સામે રૂપિયો મજબૂત
દિવાળીના તહેવારમાં શેરબજારમાં નવેસરથી તેજીનો દૌર શરૂ થતાં રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. આજે સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેક્સમાં 825 પોઈન્ટનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. નિફટીએ પણ ઈન્ટ્રા-ડેમાં 18000ની સપાટીને હાસલ કરવા માટે મથામણ કરી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે પણ મજબૂત બન્યો હતો. રોકાણકારો માટે જાણે એક દિવસ પહેલા ધનતેરસ આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો.
ગત સપ્તાહે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આજે સવારથી ફરી તેજીના સુકન થયા હોય તેમ સેન્સેક્સે આજે ફરી 60,000ની સપાટી ઓળંગી હતી. આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 60220 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે નિફટીએ પણ આજે 18000ની સપાટી હાસલ કરવા ભારે મથામણ કરી હતી અને ઈન્ટ્રા-ડેમાં 17954 પોઈન્ટની સપાટી હાસલ કરી લીધી હતી. આજની તેજીમાં ઈન્ડુસીન્ડ બેંક, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ગ્રાસીમ જેવી કંપનીના શેરના ભાવમાં 8 ટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે યુપીએલ, બજાજ ફીનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે જેવી કંપનીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
બેંક નિફટીમાં પણ 600થી વધુ પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફટી મીડકેપ 100 500 પોઈન્ટ જેટલો ઉંચકાયો હતો. બુલીયન બજારમાં આજે નરમાશ રહેવા પામી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 825 પોઈન્ટના ઉછાળા સાથે 60132 અને નિફટી 258 પોઈન્ટના ઉછાળા સાથે 17929 પર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે ડોલર સામે રૂપિયો 3 પૈસાની મજબૂતી સાથે 74.84 પર ટ્રેડ કરી રહ્યો છે.