પરીક્ષામાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું ? અને તમારા વિસ્તારમાં બુટલેગરો દ્વારા ફેલાવાતી દારૂની બદી જેવા નિબંધો પુછવા બદલ શિક્ષણ જગતમાં ખળભળાટ
મહાત્મા ગાંધીના જીવનચરિત્રને વધુને વધુ નજીકથી સમજી શકાય અને વિદ્યાર્થી અને ગાંધીજીનાં સંસ્કારોને જ્ઞાન મળે તે માટે પ્રયત્ન થાય તે સ્વાભાવિક છે પરંતુ કયારેક આવા પ્રયાસોથી આશ્ર્ચર્યજનક પરિસ્થિતિ ઉભી થાય છે. તાજેતરમાં જ પરીક્ષામાં શાળાનાં વિદ્યાર્થીઓને પુછવામાં આવેલા બે નિબંધોએ ખળભળાટ મચાવ્યો હતો જેની તપાસનાં આદેશો થયા છે. શાળાની પરીક્ષામાં મહાત્મા ગાંધીએ આપઘાત કરવા માટે શું કર્યું ? અને બીજા નિબંધમાં દારૂબંધી ધરાવતા ગુજરાતમાં બુટલેગર જો ફરિયાદ અંગેનો નિબંધ પુછવામાં આવતા શિક્ષણ વિભાગ મુશ્કેલીમાં મુકાય ગયું છે.
ગુજરાતી ધો.૯ની પરીક્ષામાં નિબંધમાં પુછવામાં આવેલ કે ગાંધીજીએ આપઘાત કરવા શું કર્યું હતું ? સુભલામ શાળા વિકાસ સંકુલનાં બેનર હેઠળ ચાલતી શાળામાં ધો.૯નાં પ્રશ્ર્નપત્રમાં સામેલ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાનું સંચાલન કરતા સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પુછાયેલા આ નિબંધે શિક્ષણ જગતને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધા હતા. બીજા એક નિબંધમાં ધો.૧૨નાં વિદ્યાર્થીઓની પરીક્ષામાં તમારા વિસ્તારમાં બુટલેગરો દ્વારા ફેલાવવામાં આવતી દારૂની બદી અને દારૂનું વેચાણ વઘ્યાની ફરિયાદ કરતો જીલ્લા પોલીસ અધિકારીને પત્ર લખો.
સ્વ સહાય જુથની શાળા અને સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓની પરીક્ષામાં શનિવારે પુછાયેલા આ પ્રશ્નનો ભારે વિરોધ ઉઠયો છે અને તેની તપાસનાં આદેશો અપાયા છે. ગાંધીનગર જીલ્લા શિક્ષણ અધિકારી ભરત વાઢેરે જણાવ્યું હતું કે, આ બંને પ્રશ્ર્નોની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે અને કસુરવારોને દાખલારૂપ સજા આપવામાં આવશે. સુફલામ શાળા વિકાસ સંકુલની શાળામાં વ્યવસ્થાપકો દ્વારા તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો સાથે સરકારનાં શિક્ષણ વિભાગને કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું હતું. આ બંને પ્રશ્નો એ ભારે ખળભળાટ મચાવ્યો છે. વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો પુછીને કયા પ્રકારનું જ્ઞાન આપવાનો ઈરાદો હશે તેવું શૈક્ષણિક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.