સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે ગુજશી ટોકના ગુનાના આરોપીની ધરપકડ વેળાએ તેની બહેન સાથે કરેલા દુરવ્યવહારથી કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહને રજુઆત બાદ સીઆઇડી ક્રાઇમના તપાસ સોંપવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના અશોકભાઇ જૈતાભાઇ બોરીચા નામના શખ્સ પોતાના ઘરે આવ્યા હોવાની એસ.ઓ.જી. અને એલ.સી.બી.ને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા આરોપી અશોકભાઇ બોરીચાની બહેન હેમુબેન ખાચર સાથે અશોભનિય વર્તન કરતા કાઠી ક્ષત્રીય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.
આ બનાવને પગલે ચોટીલાના સુરજદળ ગામે ક્ષત્રીય સમાજ દ્વારા જંગી સંમેલન યોજાયું હતું. તેમ જ તા.રર ફેબ્રુઆરી એ એસ.પી. ઓફીસને ધેરાવ અને રજુઆત કરવાની ચીમકીના પગલે ભાવનગર રેન્જ આઇ.જી. અશોકભાઇ યાદવ દ્વારા એસઓજીના કોન્સ્ટેબલ સંજય પરમારને ફરજ મોકુફ કરવામાં આવ્યા બાદ કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણીઓ દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજુઆત કરતા પ્રદીપસિંહજીએ તાત્કાલીક અસરથી સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી યોગ્ય કરવાની અને ભુતકાળમાં ખોટુ નહી બને તેવી ખાતરી આપી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહના નિર્ણય બાદ કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા તા.રર ફેબ્રુઆરીનો એસ.પી. ઓફીસનો ધેરાવ નો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. તેમ કાઠી ક્ષત્રીય સમાજ ગુજરાતના પ્રમુખ પ્રતાપભાઇ વરુ અને અગ્રણીઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે.