ચાર પૈકી બે શખ્સોની લૂંટ, હત્યા પ્રયાસ, ચોરીમાં સંડોવણી ખુલી
ખોજાબેરાજા લૂંટ પ્રકરણમાં ફરાર થયેલા બે આરોપી પાવાગઢ, મધ્યપ્રદેશ તરફ હોવાની બાતમી મળતા તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવાયો છે.
ખોજાબેરાજા ગામે વાડી વિસ્તારમાં સુતેલા મેર પરિવાર પર ઘાતક હુમલો કરી લુંટ ચલાવનાર શખ્સોને પોલીસે આંતરી લઇ રીમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે. રૂા.8.62 લાખના લુંટ પ્રકરણમાં પોલીસે મધ્ય પ્રદેશથી ત્રણ સહિત ચાર શખ્સો ધરપકડ કરી રીમાન્ડ પર લઇ પુછપરછ કરી હતી. ખોજાબેરાજાની અડાવા સીમની વાડીમાં રહેતા રામભાઇ ઓડેદરા નામના ખેડુત યુવાનના મકાનને નિશાન બનાવી ત્રાટકેલી ગેંગેએ પરીવારને માર મારી બંધક બનાવી રૂ.દોઢ લાખ રોકડા, સોળ તોલા સોનાના દાગીના અને કાર સહિત રૂ.8.62 લાખની માલમતાની લૂંટ ચલાવી આઠેક અજાણ્યા શખસો નાશી છુટયાની ફરીયાદ થઇ હતી.જેના આધારે પોલીસની જુદી જુદી ટીમોએ લૂંટારૂને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં એલસીબી પોલીસે અગાઉ જ્ઞાનસિંગ બનસિંગ દેવકા નામના પરપ્રાંતિય શખ્સને દબોચી લીઘો હતો જેબાદ વધુ ત્રણ આરોપીઓ કેરમસિંગ ઉર્ફે બાજડો કેલસીંગ, ભીલુ ઉર્ફે બીલુ પ્યાલસિંગ અને દિનેશ રમણભાઇ મીનાવાને દબોચી લીધા હતા જેના 8 દિવસના રીમાન્ડ મેળવી પોલીસે પુછપરછ શરૂ કરી છે.
પકડાયેલા શખ્સો પૈકી મધ્યપ્રદેશનો વતની કેરમસિંગ ઉર્ફે બાજડો અગાઉ લૂંટના ગુના તેમજ ભીલુ ઉર્ફે બીલુ અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં સ્થાનિક પોલીસના હાથે પકડાઇ ચુકયા હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ. આ પ્રકરણમાં હજુ બે આરોપી ફરાર હોવાથી પાવાગઢ અને મધ્યપ્રદેશ સુધી પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.