૧૫ કરોડની રોકડ ઝડપાઈ: બિલ્ડરો અને ફાયનાન્સરોના ૧૭ બેંકના લોકરો સીલ કરાયા: મોડીરાત સુધી તપાસનો ધમધમાટ
રાજકોટમાં ગઈકાલે આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના ટોચના ચાર બિલ્ડરો અને ત્રણ ફાયનાન્સરોના મકાન અને ઓફિસો સહિત કુલ ૪૪ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડીરાત સુધી તપાસનો ધમધમાટ ચાલુ રહ્યા બાદ આજે સવારથી મોટાભાગના સ્થળોએ સર્વે તથા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ૫૦ કરોડથી પણ વધુના બેનામી ટ્રાન્જેકશનો પકડાયા છે. ૧૫ કરોડથી વધુની બેનામી રોકડ પકડાઈ છે. બિલ્ડરો અને ફાયનાન્સરોના ૧૭ બેંકોના લોકરો સીલ કરી દેવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા બરોડા, અમદાવાદ, સુરતના આઈ.ટી. વિભાગના અધિકારીઓને સાથે રાખી ગઈકાલે રાજકોટમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૪૪ ટીમોમાં ૨૫૦થી વધુ અધિકારીઓ એક સાથે ત્રાટકયા હતા. શહેરના ડેકોરા બિલ્ડર્સ, ઓમ પેટ્રોલીયમ, પટેલ ડેવલોપર્સ, સહયોગ રેખા ઈન્ફ્રાસ્ટ્રકટર લીમીટેડ ઉપરાંત ત્રણ ફાયનાન્સ પેઢી સ્વસ્તિક, વિનાયક અને કિશાન ફાયનાન્સમાં આઈ.ટી.એ દરોડા પાડયા હતા. જેમાં ગઈકાલ મોડીરાત સુધીમાં ૧૫ કરોડથી વધુની રોકડ રકમ ઝડપાઈ હતી. જયારે ૫૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો પણ માલુમ પડયા હતા. બિલ્ડરો અને ફાયનાન્સરોના ૧૭ જેટલા બેંકોના લોકરો આવકવેરા વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. આજે સવારથી એક અન્ય બિલ્ડરને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મેગા ઓપરેશનમાં ચાર દિવસ સુધી તપાસ ચાલુ રહેશે તેવું ગઈકાલે જ જણાવ્યું હતું. આ ઓપરેશન રાજકોટમાં સૌથી મોટુ ઓપરેશન બની રહે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
આજે તમામ સ્થળોએ સવારથી ફરી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.