વિપક્ષી નેતાએ પૂર્વ કૃષિમંત્રી સાપરીયા વિરુઘ્ધ કર્યા આક્ષેપો
રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં ભેળસેળ અને આગની ઘટના બાદ આ મામલે કોંગ્રેસના ભારે વિરોધ વંટોળને જોતા તપાસપંચ નિમી નિવૃત જજ એચ.કે.રાઠોડને તપાસ સોંપવામાં આવી છે ત્યારે વિપક્ષી નેતાએ આ તપાસપંચને મગફળી કૌભાંડ પર ઢાકપીછોડો કરવા માટે નિમવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી પૂર્વ કૃષિમંત્રી ચિમનભાઈ શાપરીયા વિરુઘ્ધ બેફામ આક્ષેપો કર્યા હતા.
વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ ગઈકાલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે તમામ ગોડાઉનનોની તપાસ કરવાના બદલે સમગ્ર કૌભાંડ ઉપર પડદો પાડવાના ઈરાદે જ તપાસપંચની રચના કરી છે. નિવૃત જજ એચ.કે.રાઠોડ સરકારના દબાણ હેઠળ જ કામગીરી કરનાર હોવાથી મગફળી કૌભાંડનું સત્ય દબાઈ જવાની દહેશત પણ તેઓએ વ્યકત કરી હતી.
સાથોસાથ આ મગફળી કૌભાંડમાં પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ શાપરીયા સહિતના આગેવાનો પર આક્ષેપો કરી સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતાઓને બચાવવામાં આવી રહ્યા હોવાનું પણ આરોપ લગાવ્યો હતો.
વધુમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ઉમેર્યું હતું કે, ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં સરકારના ઈશારે જ આ કૌભાંડ થયું છે અને સરકાર પણ કૌભાંડ થયાનો સ્વિકાર કરી રહી છે ત્યારે નૈતિકતાના ધોરણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું ધરી દેવું જોઈએ અને ૪ હજાર કરોડના આ મગફળી કૌભાંડનું સત્ય પ્રજા સમક્ષ ઉજાગર કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સરકાર દ્વારા કૌભાંડોની તપાસ માટે જુદા જુદા ૧૧ તપાસપંચ નિમવામાં આવ્યા છે પરંતુ આ ઈન્કવાયરી કમિશન સત્ય સુધી પહોંચી શકતું નથી. આ સંજોગોમાં એક વાત તો સ્પષ્ટ છે કે સરકાર મગફળી કૌભાંડમાં સત્ય બહાર લાવવાના બદલે કૌભાંડ પર ઢાકપીછોડો કરવા માટે જ તપાસપંચ નિમી ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરી રહ્યું છે.