ભ્રષ્ટાચારના ભોરીંગને ડામી દેવા
કલાસ વનમાં 4 ઓફિસર, મામલતદાર સહિત વર્ગ-ર ના 1ર અધિકારી પાસે આવકથી વધુ મિલ્કતો મળી
એસીબીના છટકામાં સપડાયેલા વર્ગ-3 ના 19 અને ડમી કાંડના 16 સહિત પ1 લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગાળો કસ્યો
ભ્રષ્ટાચાર મુકત વહીવટની નેમ સાથે રાજય સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારી અને કર્મચારી સામે કડક હાથે કામગીરી કરવા આદેશને પગલે લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ચાર માસ દરમિયાન કલાસ વન-ટુના 16 અને વર્ગ-3 ના 19 કર્મચારી સામે આવકથી વધુ મિલ્કત શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ભાવનગરની બહુચર્ચિત ડમી કાંડમાં સંડોવાયેલા 16 કર્મચારીઓની અપ્રમાણસરની મિલ્કતો શોધી કાઢવા કેસ નોંધવામાં આવ્યા છે.
સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કાર્યરત છે. આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકાર તરફથી બ્યુરોને આધુનિકીકરણના તમામ સંશાધનો પુરા પાડવામાં આવી રહેલા છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તે સારૂ બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અને ભ્રષ્ટાચારથી વસાવેલી મિલકતો શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે.
આ અભિયાનના ભાગ રૂપે તાજેતરમાં બ્યુરો દ્વારા જુદા- જુદા વિભાગના લાંચીયા વૃતિ ધરાવતા અનેક સરકારી અધિકારી અને કર્મચારીઓની યાદી તૈયાર કરી, તેઓની ઉપર ખાસ નિગરાની રાખવામાં આવી છે.. આ અંતર્ગત સરકાર ના વિભાગોના 35 અધિકારી અને કર્મચારીઓએ કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર અને જંગમ મિલકત વસાવેલી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તે તમામ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવાના હુકમો કરવામાં આવેલા છે.
જેમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહનિર્માણ , ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ , ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ અને ખેડુત ક્લ્યાણ વિભાગ, નર્મદા અને જળ સંપતિ વિભાગના કર્મચારીઅને અધિકારીઓનો સમાવેશ થાય છે. જે પૈકી વર્ગ-1 ના 4 , વર્ગ-2 ના 12 અને વર્ગ-3 ના 19 અધિકારી/કર્મચારીઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જીલ્લામાં ઉજાગર થયેલા ‘ડમીકાંડ’ના કૌભાંડમાં સંડોવાયેલા જુદા-જુદા વિભાગ અને વર્ગના 16 અધિકારી અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર/જંગમ મિલકત વસાવેલી હોવાની પુરી સંભાવનાઓ રહેલી હોઇ તે તમામ વિરૂધ્ધ પણ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશો આપવામાં આવેલા છે.
ભ્રષ્ટાચારની અંગેની એ.સી.બી.ને જાણ કરવી
સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર.1064, ફોન નંબર.079 22866772, ફેક્સ નંબર.079 22869228, ઇમેઇલ- astdir-acb-f2 gujarat.gov.in., Whatsapp NO.9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા પેન ડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવ્યું છે.