- સસ્પેન્ડેડ ટીપીઓએ ભ્રષ્ટાચાર આચરી વસાવેલી મિલકતો અંગે ટૂંક સમયમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ
રાજકોટની અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 લોકો જીવતા ભડથું થતાં શહેર આખુ હિબકે ચડ્યું હતું. હતભાગી પરિવારની સાથોસાથ પ્રજાએ રોષભેર જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી હતી. ઘટનાને પગલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીની તપાસમાં ગુનાહિત લાપરવાહી બદલ 14 જેટલાં અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જયારે અડધો ડઝન અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કર્યા બાદ સાગઠીયાની ઓફિસમાંથી કુબેરનો ભંડાર મળી આવ્યો હતો. જે બાદ હવે સાગઠીયાની વધુ બેનામી સંપત્તિ શોધી કાઢવા વધુ એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસીબીના અધિક નિયામક બિપિન આહીરેની વડપણ હેઠળ બનેલી એસઆઈટીએ તપાસનો ધમધમાટ શરૂ કરતા આગામી દિવસમાં મોટા ઘટસ્ફોટના એંધાણ વર્તાઇ રહ્યા છે.
ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમા સરકાર દ્વારા તાત્કાલિક એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ પછી હાઇકોર્ટની ટકોર બાદ સીટ ઉપર અન્ય એક એસઆઈટી એટલે કે સત્ય શોધક કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે એસીબી દ્વારા પણ એકલા સાગઠીયાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી છ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ એસીબી દ્વારા ગત સોમવારે સાંજે મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાનો જેલમાંથી કબ્જો લઇ બીજા અપ્રમાણસર મિલ્કતના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને આ તપાસ દરમિયાન કુલ 28 કરોડથી વધુ બેનામી સંપત્તિ હોવાનું સામે આવતા એસીબી એ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. આ દરમિયાન ગત રાત્રે એસીબીના વડા દ્વારા સરકારની સૂચના મુજબ સાગઠીયા સામે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એસીબીના અધિક નિયામક સહીત 6 અધિકારીની નિમણૂક કરી છે.
સાગઠીયાનું આપઘાતનું રટણ!!
એસીબીની કસ્ટડીમાં રહેલા સસ્પેન્ડેડ ટીપીઓ એમ ડી સાગઠીયા સતત સુસાઇડ કરી લેવાનું રટણ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાગઠીયાએ તપાસનીશ અધિકારી સમક્ષ આપઘાત કરી લેવાનું કહેતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. સાગઠીયાના આપઘાતના રટણને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કોઠાસૂઝ ધરાવતા સાગઠીયાના નિવૃત ફોજદાર સસરા ચીમનભાઈ સાદીયાને દરરોજ સવારથી સાંજ સુધી એસીબી કચેરી ખાતે હાજર રાખવામાં આવે છે. ઉપરાંત સાગઠીયા કોઈ પગલું ન ભરે તેના માટે દરરોજ રાત્રે સાગઠીયા પાસે ચાર પોલીસમેન અને એક એસીબીના અધિકારીને સતત હાજર રાખવામાં આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે, એસીબી કચેરીમાં વ્યવસ્થા નહિ હોવાથી દરરોજ સાગઠીયાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોક અપમાં રાખવામાં આવે છે.
એસઆઈટીના સભ્યો કોણ?
મનસુખ સાગઠીયા વિરુદ્ધ તપાસ માટે એસીબી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં એસઆઈટીના ચેરમેન તરીકે અધિક નિયામક બિપિન અહિરે, મદદનીશ નિયામક એ.કે.પરમાર, મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, પીઆઇ એમ એમ લાલીવાલા, પીઆઇ જે એમ આલ અને કાયદા સલાહકાર વી.બી. ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. મનસુખ સાગઠીયા સામે ગુનાની તપાસનું સુપરવિઝન સારૂ તથા આરોપીએ રાજ્ય સેવક તરીકે વસાવેલ ગેરકાયદેસરની મિલકતોને કાયદાનુસાર ટાંચમાં લેવાની કાર્યવાહી માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરવામાં આવી છે.