એરસેલ-મેકસીસ સોદાનું ભુત ફરી ધુણ્યુ: ષડયંત્રના ભાગરૂપે હેરાનગતિ થતી હોવાનો ચિદમ્બરમ્નો આક્ષેપ
પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની સમસ્યાનો ઉકેલ મુશ્કેલ બની ર્હયો છે. વિગતોનુસાર ઈડી દ્વારા કાર્તિના દિલ્હી તથા ચેન્નઈ સ્થિત ઓફિસો-નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. એરસેલ-મેકસીસ ડિલમાં થયેલા કૌભાંડના આરોપ સબબ ઈડી દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
કાર્તિ સામે થઈ રહેલી કાર્યવાહી મામલે પી.ચિદમ્બરમ્એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ષડયંત્રના ભાગરૂપે દરોડા પાડવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, હવે તપાસનો કોઈ મતલબ રહ્યો નથી. જોરબાગ સ્થિત જે બંગલો છે તે કાર્તિનો નહીં પરંતુ મારો છે.
કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરેજવાલાએ કહ્યું હતું કે, પી.ચિદમ્બરમ્ અને તેમના પુત્ર સામે થઈ રહેલા ષડયંત્ર મુદ્દે મને કોઈ આશ્ર્ચર્ય નથી. વડાપ્રધાન મોદી અને તેમની સરકાર સીબીઆઈ તથા ઈડીનો ઉપયોગ વિપક્ષની સામે કરી રહ્યાં છે. રિપોર્ટ મુજબ ઈડીએ જયારે દરોડા પાડયા ત્યારે સ્થળ પર કાર્તિ અને ચિદમ્બરમ્ હાજર હતા.
શું છે સમગ્ર મામલો
સીબીઆઈએ વિશેષ અદાલતમાં દાખલ કરેલી ચાર્જશીટ અનુસાર મેકસીસની સહાયક કંપની ગ્લોબલ કોમ્યુનિકેશન સર્વિસીસ હોલ્ડીંગ લીમીટેડ દ્વારા એરસેલમાં ૮૦૦ મીલીયન ડોલરની મંજૂરી માંગી હતી. આર્થિક મામલા સંભાળતી કેબીનેટ કમીટી આ સંદર્ભે અનુમતી માટે સક્ષમ હતી. પરંતુ તત્કાલીન નાણા પ્રધાન પી.ચિદમ્બરમ્ દ્વારા આ મુદ્દે પરવાનગી અપાઈ હતી. જો કે, આ સંદર્ભે હજુ તપાસ ચાલુ છે. આ કૌભાંડમાં કાર્તિ પણ સંડોવાયેલો હોવાનું માનવામાં આવે છે.