કોવિડ-૧૯ નાં વધતા કેર અને તેના ઉદગ્મસ્થાનના કોયડાને ઉકેલવાની જોરદાર વૈશ્વિક માગ વચ્ચે માણસજાત વિખેરાયેલા કામ-ધંધા અને તુટેલાં સપનાનેં ફરી જોડવાની તૈયારીમાં લાગી છે. સ્થાનિક મોરચે સરકારે શક્ય તેટલા વધારે વિસ્તારોને ખોલવાની પહેલ કરી છે. કારણ કે રોગચાળા સામે કેવી રીતે લડવું તેની જાણકારી આપી દેવામાં દેવામાં આવી છે. હવે વધુ બંધ રાખીને ભુખમરા કે ગુનાખોરીને આમંત્રણ આપી શકાય નહીં. બીજીતરફ વૈશ્વિક મંચ પર અમેરિકા સહિતનાં ૧૨૦ દેશોની પ્રબળ માગના કારણે WHO ને હવે કોવિડ-૧૯ નાં પ્રસારના મુદ્દે સત્યની શોધ આદરવા ચીનની તપાસ કરવાની પરવાનગી આપી છે. જેનો ચીનને કચવાતા મને સ્વિકાર કરવો પડ્યો છે.
સત્યની શોધના અભિયાનનું નૈતૄત્વ કરનારા અમેરિકાએ કાંઇક એવું સંશોધન કર્યુ છે કે ડિસેમ્બર-૧૯માં ચીનમાં ૧ થી ૧૦ ડિસેમ્બર-૧૯ વચ્ચે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેઓ પેલા ચામાચિડિયાનાં બજારમાં ગયા નહોતા કે ન તો તેમણે આવું કોઇ નિવેદન કર્યુ હતું. મતલબ કે આ રોગ લેબોરેટરીમાંથી ફેલાયો હોઇ શકે. તો પછી WHO શા માટે ચીનની તપાસ માટે આનાકાની કરતું હતું અને પાછળથી શા માટે તપાસની હા પાડવી પડી છે?
WHO ની આવકનું માળખું બે પ્રકારની કમાણી ધરાવે છે. એક છે એસેસમેન્ટ કન્સ્ટ્રીબ્યુશન અને બીજી છે ડોનેશન. WHO ના દરેક સભ્ય દેશને દર વર્ષે અમુક ચોક્કસ રકમ WHO ને આપવાની હોય છે. આ રકમ જે તે દેશની વસ્તી અને આર્થિક વિકાસની સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે. જ્યારે ડોનેશન એ સ્વૈચ્છિક ફાળો છે જે સરકારો, ટ્રસ્ટો, ચેરીટી સંગઠનો તરફથી પ્રોજેક્ટ આધારિત મળે છે. WHO નું બજેટ દ્વિવાર્ષિક હોય છૈ. વર્ષ ૨૦૨૦ તથા ૨૦૨૧ માટે WHO નાં બજેટની રકમ ૪.૮ અબજ ડોલરની છે. મતલબ કે વાર્ષિક ૨.૪ અબજ ડોલર થયા. બે દાયકા પહેલા WHO ને મળતા નાણામાંથી ૫૦ ટકા જેટલી રકમ એસેસમેન્ટ કન્સ્ટ્રીબ્યુશનની હતી. જે હાલમાં ઘટીને ૨૦ ટકા જેટલી થઇ ગઇ છે. મતલબ કે હાલમાં WHO ને પોતાના પ્રોજેક્ટ પુરા કરવા માટે સ્વૈચ્છિક ફાળા ઉપર આધાર રાખવો પડે છે. WHO ને વિશ્વમાં શીતળા, પોલિયો, TB, મલેરિયા તા ઝઇ જેવા રોગની નાબુદી માટે ઝુંબેશ ચલાવવાની હોય છે.
વર્ષ ૨૦૧૮ તા ૨૦૧૯ નાં આકડા બોલે છે કે અમેરિકા કુલ ૮૯૩ મિલીયન ડોલરના કન્સ્ટ્રીબ્યુશન સાથે ટોચનાસ્થાને છે. જેમાં ૨૩૭ મિલીયન ડોલર એસેસમેન્ટ કન્સ્ટ્રીબ્યુશન છે જ્યારે ૬૫૬ મિલીયન ડોલર સ્વૈચ્છિક ફાળા પેટે અપાયા છે. આ ઉપરાંત બિલ એન્ડ મિલીન્ડા ગેટ ફાઉન્ડેશને ૫૩૧ મિલીયન ડોલર આપ્યા છે જે એક સંસ્થાના હોવાથી સમગ્ર ફાળો સ્વૈચ્છિક ફાળો ગણાય. ત્રીજા ક્રમે યુનાઇટેડ કિંગડમ છે જેણે ૪૩૫ મિલીયન ડોલર આપ્યા છે. ટોપ-૧૦ ની યાદીમાં ભારતનું નામ નથી, અર્થાત ચીનનું નામ પણ નથી. પરંતુ ચીન દ્વારા મળતા ભંડોળમાં સતત વધારો તો જોવા મળ્યો છે. પાંચેક વર્ષમાં ચીનનાં ભંડોળમાં ૫૨ ટકા જેટલો વધારો સંકેત આપે છે કે WHO ઉપર ધીમે-ધીમે ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે. જો આ કારણમાં વજુદ હોય તો WHO ચીનનો શરૂઆતમાં બચાવ કરે તે સ્વાભાવિક છે. પરંતુ હવે વૈશ્વિક સમુદાય સામે ઝુક્યા વિના બીજો કોઇ વિકલ્પ નથી.
ચીનની તપાસનું પરિણામ જ્યારે અને જે પણ આવે પરંતુ ઉદ્યોગો ચીનને છોડીને અન્ય જઇ રહ્યા છે. ભારતની જેમ ઘણા દેશોમાં ચાઇનીઝ ચીજોનો વિરોધ થઇ રહ્યો છે. જો આ તિરસ્કારની ભાવના લાંબો સમય ચાલે તો પણ ચીનને તકલીફ થઇ શકે છે. સાથે જ જો WHO ઉપરનો વિશ્વાસ ઘટી જાય તો વૈશ્વિક સ્તરે તંદુરસ્ત માનવજાત માટેના પ્રયાસોને પણ ધક્કો લાગી શકે છે. મતલબ કે આ રોગના ફેલાવા પાછળનું સત્ય બહાર આવે તે પહેલાં જ ઘણું બદલાઇ શકે છે.