વિશ્ર્વમાં પ્રથમ વખત સ્ટુડિયોમાંથી ઓનલાઇન કથા

લોકડાઉનના કપરા સમયમાં દર્શકોને ભક્તિરસ પીરસવા ‘અબતક’ ચેનલ અને ડિજિટલ મીડિયામાં આજથી સાત દિવસ સુધી લાઇવ ભાગવત સપ્તાહ

દરરોજ સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી શાસ્ત્રી રાકેશ અદા પોતાની આગવી શૈલીમાં કથાનું કરાવશે રસપાન

કથા પ્રારંભે નીકળેલી પોથીયાત્રામાં ‘અબતક’ પરિવારના સભ્યો

ભાવભેર જોડાયા, સમગ્ર મીડિયા હાઉસમાં છવાયુ ભક્તિમય વાતાવરણ

A 21

પોઝિટિવ ન્યુઝ અને ઇન્ફોર્મેટિવ ન્યૂઝના સૂત્ર સાથે સતત ન્યૂઝ આપવાની સાથોસાથ અનેકવિધ કાર્યક્રમો પીરસતા ’અબતક’ મીડિયા દ્વારા વિશ્વમાં પ્રથમ વખત સ્ટુડિયોમાંથી લાઈવ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ લોકડાઉનના સમયમાં દર્શકોને ભક્તિરસ પીરસવા માટે આયોજિત આ કથાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં આજે પોથીયાત્રા યોજાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સના પાલન અને પૂરતી તકેદારી સાથે ’અબતક’ મીડિયાનો સમગ્ર સ્ટાફ આ પોથીયાત્રામાં જોડાઈને ધન્ય બન્યો હતો. અને સમગ્ર મીડિયા હાઉસમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.

હાલ લોકડાઉનના કપરા સમયમાં લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે લોકોને કઈક નવું આપીને માનસિક તણાવમાંથી બહાર કાઢવા ’અબતક’ પ્રયત્નશીલ રહ્યું છે. તાજેતરમાં શરૂ કરાયેલા ’ચાલને જીવી લઈએ’ કાર્યક્રમને ખૂબ ટૂંકા ગાળામાં મળેલી અપ્રતિમ સફળતા બાદ હવે લોકોને ભક્તિરસ પીરસવા તથા વિશ્વ કલ્યાણ અર્થે અને કોરોનાની મહામારીમાં આખા વિશ્વમાં જે જીવ ગયા છે તે જીવોના આત્માની સદગતિ માટે ’અબતક’ દ્વારા આજથી ભાગવત સપ્તાહ શરૂ કરી છે. સમગ્ર વિશ્વમાં સ્ટુડિયોમાંથી ખાસ લાઇવ થઈ રહેલી આ ભાગવત સપ્તાહ આજથી દરરોજ સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી ચાલશે. જેનું લાઈવ પ્રસારણ ’અબતક’ ચેનલ, ’અબતક’ની યુટ્યુબ ચેનલ તથા ફેસબુક ઉપર કરાશે.

A 22

શાસ્ત્રી રાકેશ અદા (ભટ્ટજી) પોતાની આગવી શૈલીમાં ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. આ કથાની પૂર્ણાહુતિ તા.૨૧ના રોજ થશે. કથા દરમિયાન આવતા તમામ ધાર્મિક પ્રસંગોની સ્ટુડિયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં ’અબતક’ મીડિયામાં મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતાની આગેવાનીમાં સમગ્ર સ્ટાફ ભક્તિભાવથી જોડાયો હતો. ઉલ્લેખનીય  છે કે હવે લોકો દેશ- વિદેશમાં ઘરે બેઠા કોરોનાની મહામારી વચ્ચે ’અબતક’ મીડિયાના માધ્યમથી ભાગવત કથાનું શ્રવણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.