વૈદિક સંસ્કૃતિના મુલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરતી
સ્વામિનારાયણ ગુરૂકુળના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં અમૃત સંકલ્પ સમારોહ: નુતન છાત્રાલયનું ભૂમિપુજન
સમગ્ર દેશમાં ચાલી રહેલી 280 થી વધુ કાર્યરત ગુરૂકુળોની માતૃસંસ્થા એવી રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને 75 વર્ષ પુર્ણ થવાના અવસરે આયોજિત “અમૃત સંકલ્પ સમારોહ”માં ઉપસ્થિત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુરુકળના નુતન છાત્રાલય ભવનનું ભૂમિ પૂજન કરાયું હતું.રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આધુનિક ઉપભોગવાદી સમયમાં સમાજમાં ભારતીય વૈદિક સંસ્કૃતિના મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરતી સ્વામિનારાયણ ગુરૂકુળની સંસ્થાઓનું સુસંસ્કૃત રાષ્ટ્રના નિમાર્ણમાં યોગદાન અમુલ્ય છે તેમ જણાવી ગૂરૂકુળ સંસ્થાની ઉમદા કામગીરીને બીરદાવી હતી. પ્રાચીન સમયથી ભારત વર્ષમાં ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે કાર્યરત ગુરુકુળ પરંપરાને વર્ણવતા રાજયપાલએ ઉમેર્યુ હતું કે સુસંસ્કૃત સમાજના નિર્માણ અને વિદ્યાર્થીઓમાં ચારિત્ર્યવાન ગુણો અને કૌશલ્યેાના સિંચન સાથે, સમાજ માટે ઉપયેાગી થવાના જીવનધ્યેયને સમર્પીત નાગરીકોનું નિર્માણ હાલ પણ કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે.
આ તકે ઉદ્યોગપતિ ધીરૂભાઇ કોટડીયા દ્ગારા રાજકોટ ખાતે ક્ધયાઓ માટે સૌ પ્રથમ ગુરુકુળ પ્રારંભ કરવાના સંકલ્પ સાથે રૂા. 51 લાખના યોગદાનને આવકારી આ કાર્ય થકી રાષ્ટ્રની માતાઓ અને બહેનોમાં પણ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ સંસ્કારોના સિંચન થકી ભારતીય પરંપરા અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનમાં અનેરુ યોગદાન સિધ્ધ થશે તેવા શુભાષીશ રાજયપાલ દેવવ્રતજીએ પાઠવ્યા હતા.
આચાર્ય દેવવ્રતજીએ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત સંકલ્પ મહોત્સવના મોનોગ્રામના લોન્ચીંગ સાથે રાષ્ટ્રના નિર્માણમાં આર્થિક, સામાજીક કલ્યાણ અને શૈક્ષણીક યોગદાન આપી સમાજ માટેના ઋણને ચૂકવવા તત્પર રહેવા ઉપસ્થીત સૌને અનુરોધ કર્યો હતો. આ તકે રાજયપાલ દેવવ્રતજીએ સંસ્થાની મુલાકાત લઇ સંસ્થાની કામગીરી જોઇ સંતોષ વ્યકત કરતા રૂા. 5 લાખ 51 હજાર રૂપીયાનૂ અનુદાન જાહેર કર્યુ હતું. આ ઉપરાંત તેઓએ સંસ્થાના નૂતન છાત્રાલયનું
ભૂમિ પુજન કર્યું હતું. અને સંસ્થા ખાતે ગૌમાતાનું પુજન પણ કર્યુ હતું.આ પ્રસંગે મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા કાર્યરત ગુરુકુળ સંસ્થાઓની કામગીરી અને હેતુની વિસ્તૃત વિગતો વર્ણવતા અત્યાર સુધીમાં 1 લાખ 75 હજારથી વધુ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ અપાયાનું ગૌરવભેર જણાવ્યું હતું. આ તકે તેઓએ અમૃત સંકલ્પ મહોત્સવ અન્વયે સમગ્ર વર્ષ દરમીયાન યોજાનારા સામાજીક, શૈક્ષણીક અને આરોગ્યલક્ષી સહિતના વિવિધ કાર્યોની માહિતી આપી હતી.
મહંત ગુરૂ સ્વામીએ રાજયપાલ આચાર્યજી તથા સૌ ઉપસ્થીતોને આશિર્વચન પાઠવતા ધાર્મીક અને આધ્યાત્મીક જીવન વ્યતિત કરવા સાથે સમાજ ઉત્થાન માટેના સંકલ્પને પરીપૂર્ણ કરવા સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મહંત સ્વામિ તથા મહાનુભાવો દ્વારા રાજયપાલશ્રીનું ઉષ્માવસ્ત્ર અને પુષ્પહાર વડે સ્વાગત કરાયું હતું. આ તકે રાજયપાલ આચાર્યજીના હસ્તે તેજસ્વી છાત્રોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. પ્રાકૃતિક ખેતીના મહત્વને લઇને ખેડુતોમાં જાગૃતિ અર્થે તૈયાર કરાયેલ વિશેષ પ્રાકૃતિક કૃષિ રથનું રાજયપાલએ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સંસ્થાના મંહતસ્વામિ દ્વારા રાજયપાલશ્રી દેવવ્રજીને સ્મૃતિચિન્હ અર્પણ કરાયું હતું.