અતિ વરસાદથી અગરોનાં પાળા-નિમકનું ધોવાણ થતાં એકંદરે ૭૦ ટકા નુકસાન
અમરેલી જિલ્લાનાં રાજુલા-જાફરાબાદ તાલુકાનાં મીઠાના અગરીયાઓને અતિ વરસાદથી થયેલ નુકસાનીની સહાય અને અમુક સુવિધા આપવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે. જેમાં આ વિસ્તારમાં છ માસ સુધી વરસાદ વરસતા અગરોમાં નિમક ઉત્પાદન ૭ મહિનાનાં બદલે ૩ મહિના નિમક ઉત્પાદન થશે, નિમક મોડુ પડવાથી મીઠાનો સ્ટોક ઘણો ઘટશે તેમજ ૪ મહિના મજુરોને મજુરી નહીં મળે, અતિવરસાદથી અગરોમાં પાળાપાળીનું ધોવાણ, નિમકનું ધોવાણ, દરીયાઈ વાવાઝોડાનાં પવનથી અગરોના મેઈન પાળાનું ધોવાણ એમ એકંદરે ૭૦ ટકાનું નુકસાન થયેલ છે.
જેથી અગરીયાઓની કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટમાંથી સહાય આપવા તેમજ ખેતીવાડીની જમીનમાં અતિ વરસાદથી થયેલ નુકસાનમાં સરકાર તરફથી ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કરેલ છે. તેમજ ખેતીવાડીમાં ઘણી ચીજવસ્તુમાં ટેકાનાં ભાવ આપવામાં આવે છે તેમજ અગરીયાઓને સહાય અને ટેકાના ભાવથી નિમક લેવાની સુવિધા ઉભી કરવી અગર તો નિમક ખરીદનાર કંપની પાસેથી વધુ ભાવ અપાવવા રાજુલા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કાનજીભાઈ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.