ગેસના ભાવ નક્કી કરવા દર ત્રણ મહિને બેઠક યોજાશે
ગેસના વધતા ભાવ, રસ્તા સહિતના પ્રશ્ર્નોની મોરબીના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીને કરી રજૂઆત: ધારાસભ્ય મેરજાની આગેવાની હેઠળ ઉદ્યોગકારો મુખ્યમંત્રીને મળ્યા: મુખ્યમંત્રીએ દોઢ કલાક સુધી ઉદ્યોગપતિઓની રજૂઆતો સાંભળી: યોગ્ય કરવા ખાત્રી
ગેસના ભાવમાં ઓચિંતા વધારાને કારણે સિરામિક ઉદ્યોગને પડતી મુશ્કેલી સહિતના ઉદ્યોગના પ્રશ્ર્નો મોરબીના ઉદ્યોગો માટે ખાસ પેકેજ જાહેર કરવા મોરબીના ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી.
મોરબીના સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સાથે ઉદ્યોગપતિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અંદાજે દોઢેક કલાક સુધી મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓની રજૂઆતો સાંભળીને હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ હજુ પણ વધુ આગળ ધપાવવા ઉદ્યોગપતિઓ તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હાલ ઉદ્યોગોને જે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું નિરાકરણ આવે તે માટે સિરામિક ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વિગતવાર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નિલેશભાઈ જેતપરીયા, કિશોરભાઈ ભાલોડિયા, કિરીટભાઈ પટેલ, એફડીઆઈના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા, કમિટી મેમ્બર મણીભાઈ, વેલજીભાઈ (બોસ) તેમજ લગત વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે બેઠકમાં ઉદ્યોગોના પ્રશ્નો અંગેની વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી. ગેસના ભાવમાં અચાનક કરવામાં આવતો વધારો રોકવા, પ્રોપેન અને એલપીજી ગેસના વપરાશની મંજૂરી આપવા, ઉદ્યોગો નજીકના તથા શહેરના રસ્તાઓ બનાવવા તથા તેના માટે બજેટમાં સ્પેશિયલ પેકેજ જાહેર કરવા રજુઆત કરવામાં
આવી હતી. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસો.ના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે બેઠકમાં ખૂબ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. હળવદ રોડ, પીપળી રોડ અને મોરબી શહેરના રસ્તાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. સોલાર પોલિસીમાં ફેરફાર અંગે પણ રજુઆત કરાઈ હતી.
આ સાથે ગેસના ભાવમાં ઓચિંતા વધારાને કારણે ઉદ્યોગોને જે ફટકો પડે છે તે નિવારવા માટે ભાવ વધારાની અગાઉ જાણ થાય તેવી રજુઆત કરાઈ હતી. જેના નિરાકરણરૂપે દર ત્રણ મહિને ભાવ નક્કી કરવા બેઠક કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશ ભાઈ ઉઘરેજા, નિલેશભાઈ જેતપરીયા, કિશોરભાઈ ભાલોડીયા, કીરીટભાઇ પટેલ તથા એફડીઆઈના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા અને કમીટી મેમ્બર મણીભાઈ અને અગ્રણી ઉદ્યોગપતિ વેલજીભાઈ (બોસ) હાજર રહેલ અને સિરામિક ઉદ્યોગના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.