૯ કરોડથી વધુ શૌચાલયોનુંં નિર્માણ: ગ્રામ્ય વિસ્તાર ૯૮ ટકા સ્વચ્છ થયો
૧૩ કરોડથી વધુ ગેસ કનેકશનોથી સ્ત્રીઓને ધુંમાડામાંથી મળી મુક્તિ
આજથી શરૂ થનાર બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રથમ અભિભાષણમાં વર્તમાન સરકારના ચાર વર્ષીય કાર્યકાળ દરમિયાન કરેલા વિકાસના કાર્યોના લેખાજોખા પ્રસ્તુત કર્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા ભારતે સાબીત કરી બતાવ્યું કે, ભારત હવે દુશ્મન દેશોના હુમલાનો જડબાતોડ જવાબ આપશે. જયારે ૨૦૧૪માં ચૂંટણી પૂર્ણ થતાં સરકારે કાર્યવાહી સંભાળી ત્યારે તેમણે એક નવા ભારતના નિર્માણનો નિર્ણય લીધો હતો અને ભારતને ભ્રષ્ટાચાર મુકત બનાવવા માટે પણ સરકારે કેટલાક નિર્ણયો લીધા છે.
લોકોના સ્વાસ્થ્યની ચિંતા માટેની સરકારે આયુષ્યમાન યોજનાની શરૂઆત કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ૯ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું જેને કારણે આજે ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતાનું પ્રમાણ ૯૮ ટકા સુધી થઈ ચૂકયું છે જે વર્ષ ૨૦૧૪માં ૪૦ ટકાથી પણ ઓછુ હતું. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના આ વર્ષે આપણે ૨ ઓકટોમ્બર સુધીમાં દેશને સંપૂર્ણપણે દેશને સ્વચ્છ બનાવવાની નેમ લીધી છે.
ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓને ચુલાના ધુંવાડાથી રાહત આપવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ૧૩ કરોડથી પણ વધુ ગેસ કનેકશનોની શરૂઆત કરવામાં આવી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન અંતર્ગત દેશના ૫૦ કરોડ ગરીબો માટે ગંભીર બીમારીઓ માટે પરિવાર દીઠ ૫ લાખ રૂપિયા પ્રતિ સારવારની સહાય આપવામાં આવી. ફકત ચાર મહિનાની અંદર જ આ યોજના અંતર્ગત ૧૦ લાખથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો. પ્રધાનમંત્રી જન ભારતીય ઔષધી યોજના અંતર્ગત ૪૯૦૦ કેન્દ્રોમાં ૭૦૦થી વધુ દવાઓની કિંમત ઓછી રાખવામાં આવી હતી તેથી ગરીબ અને મધ્યમ વર્ગોને ખૂબજ ફાયદો થયો હતો.
કિડનીની બીમારીથી પરેશાન લોકો માટે સરકારે ડાયાલીસીસની નિ:શુલ્ક સેવા પ્રદાન કરતા દેશવાસીઓના ૧૫૦૦ કરોડ રૂપિયાની બચત થઈ. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત માત્ર રૂપિયા ૧થી દેશવાસીઓને વિમા કવચની સરકારી સુરક્ષા આપવામાં આવી છે.
૨૧ કરોડ ગરીબ ભાઈઓ-બહેનોને વીમા સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું. જેમાં ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલાને ૨ લાખ રૂપિયાનું વીમા સુરક્ષા કવચ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કુપોષણ અને બાળ વિકાસ માટે રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. દેશના ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં રહેનાર બાળકો તેમજ મહિલાઓને પણ ટીકાની સુવિધા પહોંચે માટે સરકારે ઈન્દ્ર ધનુષ યોજનાની શરૂઆત કરી હતી.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલ માળખાગત સુવિધા માટે કેટલીક સંસ્થાઓ બનાવવામાં આવી છે. સંસ્થાઓ તમિલનાડુથી લઈ જમ્મુ-કાશ્મીરના ફૂલવામા અને ગુજરાતના રાજકોટ સુધી નવી એઈમ્સ માટે મંજૂરી આપવામાં આવી છે. મેડિકલમાં છેલ્લા ચાર વર્ષોમાં ૩૧ હજાર સીટોનો વધારો કરવામાં આવ્યો છે.
જયારે સરકારે નિર્ણય લીધો કે, ૨૦૨૨ સુધીમાં ભારતનો કોઈપણ નાગરિક બેઘર ન રહે ત્યારે કેટલાક લોકોને આ વાતની નવાઈ લાગી હતી પરંતુ આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેર અને ગામડામાં ઘર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. છેલ્લા સાડા ચાર વર્ષોમાં ગ્રામીણ આવાસ યોજનામાં ૩૦ લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું.
એવી જ રીતે શહેરમાં પણ લોકોને પોતાનું ઘરનું ઘર અપાવવા માટે રેરા કાનૂન લાગુ કર્યું ત્યારબાદ દેશમાં ૩૫ હજાર રીયલ એસ્ટેટ પ્રોજેકટો લોન્ચ કરવામાં આવ્યા જેમાં લાખો ઘરોનું નિર્માણ શકય બન્યું. પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના અંતર્ગત આજે ૨ કરોડ ૪૭ લાખ ઘરોમાં વીજળીનું કનેકશન શકય બન્યું છે. આજે ભારત એ શીખરે પહોંચી ગયું છે કે, ભારતમાં આજે એક પણ ઘર વીજળી વિનાનું નથી રહ્યું.
મોંઘવારી અને મહામારીને ધ્યાનમાં લઈ સરકારે મધ્યમ વર્ગ માટે રાહતના પટારા ખોલ્યા. દિવ્યાંગ ભાઈ-બહેનોને થતી મુશ્કેલી અંગે આપરે સૌ કોઈ જાણકાર છીએ માટે દિવ્યાંગોને પરિવહન સરળ બને તે માટે ૧૨ લાખ દિવ્યાંગોને ૭૦૦ કરોડના ઉપકરણો આપવામાં આવ્યા. ૬૫૦ રેલવે સ્ટેશનોને દિવ્યાંગો માટે સાનુકુળ બનાવ્યા. માનવ રહીત રેલવે ક્રોસીંગ પર થતાં અકસ્માતોના નિવારણ માટે સરકારે યોજના બનાવી આજે લગભગ રેલવે ક્રોસીંગ પર અકસ્માતો ભૂતકાળ બની ગયા છે.