મુંબઇથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી રૂા.૨.૨૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો
સૌરાષ્ટ્રભરની અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા તસ્કરને મુંબઇથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી રૂા.૨.૨૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ, મોરબી, જામનગર અને અમદાવાદના વ્હોરા પરિવારના બંધ મકાન અને વાહન ચોરી કરવાની ટેવ ધરાવતા ફકીર શખ્સ અમદાવાદ ઝડપાયો ત્યારે તે પોલીસને ચકમો દઇ ફરાર થઇ ગયો હતો.
જામનગરના કાલાવડ ગેઇટ પાસે રહેતા એઝાજ ઉર્ફે એજલો ઉર્ફે ચકી કાદર ઉર્ફે ચાલબાજ નામના ફકીર શખ્સ રાજકોટ સહિતની સૌરાષ્ટ્રની અનેક ચોરીના ગુનામાં સંડોવાયો હોવાનું અને તે હાલ મુંબઇ આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, ફિરોજભાઇ અને યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ અ્ન્ય એક તપાસમાં મુંબઇ હોવાથી એઝાજ ઉર્ફે એજલાને મુંબઇ સેન્ટ્રલ નાગપાડા મહમંદઅલી રોડ પરની હોટલમાંથી ઝડપી લીધો હતો.
એઝાજ ઉર્ફે એજલાની પૂછપરછ દરમિયાન છેલ્લા એકાદ વર્ષમાં શહેરના રૈયાનાકા ટાવર, સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયા, હરિશન્દ્ર ટોકિઝ, ભીડભંજન સોસાયટી, ગુજરી બજાર, પરાબજાર, ઘી કાટા રોડ, ગરેડીયા કૂવા રોડ, મોચી બજાર, ખાટકીવાસમાં બંધ મકાન અને વાહન મળી કુલ ૧૬ જેટલા સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે.
જ્યારે જામનગરમાં ૧૩ અને અમદાવાદમાં ત્રણ ચોરીના ગુના કર્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી સોની વીટી, સોનાની બંગડી, ડીઝીટલ કેમેરો, બે મોબાઇલ, રૂા.૧૦ હજાર રોકડા, ઇટરનોસ, એક્ટિવા, સ્પેન્ડર, અને એક્સેસ મળી રૂા.૨.૨૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
એઝાજ ઉફે એજલો આ પહેલાં રાજકોટ આઠ, જામનગર, ત્રણ, અમદાવાદ અને મોરબીમાં ચોરીના અને ગાંધીઘામમાં લૂટના ગુનામાં ઝડપાયો હતો ત્યારે અમદાવાદ પોલીસને ચકમો દઇ ભાગી ગયા બાદ ૩૪ જેટલા સ્થળે ચોરી કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એઝાજ ઉર્ફે એજલો વ્હોરા જ્ઞાતિને ત્યાં ચોરી કરવાની ટેવ ધરાવે છે. વ્હોરા જ્ઞાતિ પોતાને થયેલા નુકસાન અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ન હોવાથી ત્યાં વધુ ચોરી કરવાની ટેવ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.