આગામી બે દિવસમા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો પર ત્રાટકનારા ભયંકર ચક્રવાતી તોફાન વાયુનો સામનો કરવા અને સંભવિત અસરગ્રસ્તોને તાત્કાલીક સહાયતા પહોચાડી શકાય તે માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા આગોતરૂ આયોજન કરીને ગઈરાતથી જ ફૂટ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જીલ્લા વહીવટી તંત્રની સાથે સંકલનમા રહીને આત્મીય યુનિવર્સિટી દ્વારા પચાસ હજાર ફૂડપેકેટસ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
આત્મીયના સંવાહક પૂ. ત્યાગવલ્લભ સ્વામીના જણાવ્યા મુજબ વાયુ દ્વારા ભારે નુકશાન થવાની શકયતા છે. ત્યારે તાકીદની પરિસ્થિતિને પહોચી વળવા માટે આ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. હાલ ફૂડ પેકેટસમાં લાંબા સમય સુધી સારી રહે તેવી શુધ્ધ ઘીની સુખડી અને ગાંઠીયાનું આયોજન છે.
યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આગામી દિવસોમાં વાવાઝોડાનાં અસરગ્રસ્તોની સહાયતા માટે તૈયાર રહેવા સમગ્ર સત્સંગ સમાજને આજ્ઞા કરી છે. કુદરતી આપતીઓનાંસ મયે અસરગ્રસ્તોની વ્હારે પહોચવામાં અગ્રેસર રહેતી સ્વૈચ્છીક સંસ્થા યોગી ડિવાઈન સોસાયટીના મુખ્યમથક હરિધામ સોખડા જી. વડોદરા ઉપરાંત ગુજરાત સ્થિત અન્ય કેન્દ્રોમાં જરૂર પડશે ત્યારે રાહત સામગ્રી તૈયાર કરવા માટે સ્વયંસેવકો તૈયાર રાખવામાં આવ્યા છે.
ફૂડ પેકેટસની માંગને પહોચી વળવા યોગી ડિવાઈન સોસાયટીનાં વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ, નેત્રંગ વગેરે કેન્દ્રોમાં પણ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવશે. ત્યાગ વલ્લભ સ્વામીએ આ ફૂડપેકેટસ માટે ગોળ, ઘી બેસન, તેલ વગેરે દ્વારા સમાજશ્રેષ્ઠીઓ ઉદાર હૈયે સહયોગ કરે તેવી અપીલ કરી છે.