સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડ અને પ્રાણી અત્યાચાર નિવારવા અંગેની કર્ણાટક મુખ્યમંત્રીએ આપી ખાતરી
ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન એસ.પી.ગુપ્તા, એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયાના સદસ્ય ગિરીશભાઈ શાહ, સુનીલ માનસીંઘકા, રામકિશન રઘુવંશી, ડો.એસ.કે.મિતલ, મિતલ ખેતાણી સહિતના ટીમે કર્ણાટક સરકારના મહામહીમ રાજયપાલ વજુભાઈ વાળા તેમજ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી સાથે બેંગ્લોર ખાતે પશુ કલ્યાણ અને જીવદયા વિષયક મીટીંગ કરી હતી. આ પ્રસંગે કર્ણાટક સરકારના વરિષ્ઠ અધિકારીઓ, કૃષિ તેમજ પશુપાલન વિભાગના સચિવ, બેંગ્લોરના મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તબકકે એનીમલ વેલફેર બોર્ડના ચેરમેન એસ.પી.ગુપ્તાએ કર્ણાટકમાં જિલ્લા દિઠ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની રચના તેમજ તેને કાર્યાન્વિત કરવા અંગે, કર્ણાટક એનીમલ વેલફેર બોર્ડની રચના અને તેને કાર્યાન્વિત કરવા અંગે, કર્ણાટકમાં ઉપલબ્ધ લાખો એકર ગૌચર ભુમીની સુરક્ષા અંગે તેમજ તે ભુમીનો પશુઓના કલ્યાણ માટે ઉપયોગ થાય તે અંગે, ગેરકાયદેસર રીતે થતી પશુબલી તેમજ કુરબાની અટકાવવા અંગે, વરસાદના પાણીના સંચય માટે અને તેના થકી પશુ કલ્યાણ અંગે સહિતના મુદાઓની રાજયપાલ વજુભાઈ વાળા અને મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ કર્ણાટકના દરેક તાલુકા દીઠ ઘવાયેલા પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરતી ૧૯૬૨ (ટોલ ફ્રી નંબર) કરૂણા એમ્બ્યુલન્સ કર્ણાટકના તમામ તાલુકાઓમાં શરૂ થાય તેવી ભાવના વ્યકત કરી હતી. કતલખાના અંગે કડક પગલા ભરવા કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ ખાતરી આપી હતી.
આ ઉપરાંત નવી વેટરનરી પોલી કલીનીક તથા હયાત પશુ સારવાર સંસ્થાના નવા બાંધકામ અને નવીનીકરણ, નેશનલ લાઈવ સ્ટોક મિશન, મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના, કામધેનુ યુનિવર્સિટીની રચના અંગે પશુ આરોગ્ય મેળાના આયોજન માટે, ગૌશાળા અને પાંજરાપોળોની માળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવા તેમજ જીવદયા સંસ્થાઓને આર્થિક સહાય અંગે, દેશી ગાયના સંવર્ધન માટે, પશુ પાલકોને સાધન સામગ્રી ખરીદી પર સહાય માટે સહિતના અનેક પશુ કલ્યાણ ક્ષેત્રના મુદાઓ અંગે મુખ્યમંત્રી એચ.ડી.કુમાર સ્વામી સાથે હકારાત્મક અને સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં વિસ્તૃત ચર્ચા ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના ચેરમેન એસ.પી.ગુપ્તા, એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયાના સદસ્ય ગીરીશભાઈ શાહ, સુનીલ માનસીંઘકા, રામકિશન રઘુવંશી, ડો.એસ.કે.મિતલ, મિતલ ખેતાણી, દેવેન્દ્ર જૈન સહિતની ટીમે કરી હતી.