રેલવેમાં નોકરીના નામે આચરાયેલા આંતરરાજ્ય કૌભાંડમાં તપાસ કરતી એસઓજીએ યુપીના લખનૌથી વધુ એક આરોપી અટલ મદનગોપાલ ત્રિપાઠી (ઉ.વ.33)ની ધરપકડ કરી છે. એટલું જ નહીં મુખ્ય સુત્રધાર હિમાંશુ પાંડેના લખનૌમાં આવેલા મકાનમાંથી રૂ.7 લાખ કબજે કર્યા છે.આ કૌભાંડમાં રાજકોટ સૌરાષ્ટ્રના અડધો ડઝનથી વધુ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, વેસ્ટ બંગાળ, બીહાર અને યુપીના 45 જેટલા યુવાનો ભોગ બન્યા હતા. જેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. આ કૌભાંડ અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી છ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા.
તપાસમાં આરોપી અટલ ત્રિપાઠીનું નામ ખૂલતા તેને પકડવા એસઓજીના પીઆઈ અંસારી લખનૌ ગયા હતા. ત્યાંથી તેને ઝડપી લીધો હતો. ઠગ ટોળકીએ નોકરીવાંચ્છુ યુવાનોને લખનૌ રેલવે સ્ટેશન નજીક ખંઢેર જેવા મકાનમાં ટ્રેનિંગ આપવા માટે નકલી ટ્રેનિંગ સેન્ટર ખોલ્યું હતું. જે જગ્યા અટલ ત્રિપાઠીએ ભાડે આપ્યાનું ખૂલતાં તેની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા છ મહિનાથી તેણે રૂ.20 હજારના ભાડે આ જગ્યા મુખ્ય સુત્રધાર હિમાંશુ પાંડેને ભાડે આપી હતી. જ્યાં દરરોજ સવારે 6 થી 7:30 વચ્ચે નકલી ટ્રેનિંગ સેન્ટર ધમધમતું હતું. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, અટલ ત્રિપાઠી રેલવેનો કોન્ટ્રાક્ટર છે. એટલું જ નહીં તેના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. જેથી તેની પાસે જ્યાં નકલી ટ્રેનિંગ સેન્ટર ખોલાયું હતું તે જગ્યાનો કબજો ભોગવટો હતો. તેને રાજકોટ લવાયા બાદ કોર્ટમાં રજૂ કરી તા.15 એપ્રિલ સુધી 10 દિવસના રિમાન્ડ પર લેવાયો છે. લખનૌ ગયેલી એસઓજીની ટીમે મુખ્ય સુત્રધાર હિમાંશુ પાંડેના અલકનંદા એન્ક્લેવમાં આવેલા મકાનમાં છાપો મારી ત્યાંથી રૂ.7 લાખ કબજે કર્યા હતા. હિમાંશુ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ધરાવતો હતો, પરંતુ લોકડાઉનને કારણે કામ ઠપ્પ થઈ જતાં આ કારસ્તાન કર્યું હતું. તેના પિતા કોલેજમાં લેક્ચરર હતા, એટલું જ નહીં ભાઈ સાયન્ટીસ્ટ છે.