હળવદ જૂથ અથડામણમાં સારવાર દરમિયાન વધુ એક મૃત્યુ થતા આજે બપોરે ૨ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ
હળવદ-ધ્રાંગધ્રા માં થયેલ જૂથ અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ થયા બાદ ગંભીર રુપે ઘવાયેલ વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજતાં સોશ્યલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ ન થાય તે હેતુથી ગઈકાલે બપોર થી આજે બપોરે ૨ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા પુન: બંધ કરવા જિલ્લા કલેક્ટરે આદેશ કરતા મોરબી જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જૂથ અથડામણ પ્રકરણમાં ગઈકાલે અમદાવાદ સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા ચિત્રોડી ગામના ભરવાડ પ્રૌઢ નું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નીપજતાં ફરીથી માહોલ ન બગડે તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની સત્તાની રૂએ કલમ-૧૪૪ મુજબ તાકીદે જાહેરનામું બહાર પાડીને તમામ મોબાઈલ કંપનીઓને ૨જી,૩જી,અને ૪જી ઇન્ટરનેટ સેવા ૨૪ કલાક માટે પુન: બંધ કરવા આદેશ જારી કર્યા હતા.
આ અંગે મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા જાણવામાં આવ્યું હતું કે હળવદની ઘટના ના પગલે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવાથી ફરી વાતાવરણ વધુ ના બગડે તે માટે તકેદારીના ભાગ રૂપે રવિવારે બપોરે ૨ વાગ્યાથી લઇ સોમવારે બપોરે ૨ વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે કલેક્ટરે લોકોને અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ કરી હતી.
બીજી તરફ પોલીસે પણ તકેદારીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન અને સતત પેટ્રોલિંગ ચાલુ રાખતા મોરબી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે જૂથ અથડામણ બાદ મોરબી સહીત રાજ્યભરમાં ક્ષત્રિય અને ભરવાડ સમાજના અગ્રણીઓ દ્વારા શાંતિની અપીલ કરી બને સમાજના લોકો વચ્ચે વૈમનસ્ય ન થાય તે હેતુથી મીટીંગો પણ યોજી હતી જેને પગલે એકદંરે શાંતિનો માહોલ બની રહ્યો હતો.