- ભારતમાં યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ઉચ્ચ કોટિનો દરજ્જો આપ્યો
ભારતીય સંસ્કૃતિમાં કેહવાયું છે કે, મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે. ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જે મનુષ્યને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે જોડે છે.
યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા દેશના આધ્યાત્મિક યોગ ગુરુઓની મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીની લડત દરમિયાન પૂજ્ય સ્વામી વિવેકાનંદે નાગરિકોને આધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો. આજે વિશ્વના દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું મહત્વનું માધ્યમ બનશે.
યોગ એ માત્ર વ્યાયામના એક પ્રકાર કરતાં પણ વધુ છે, જે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે, શારીરિક તંદુરસ્તી અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે. યોગ તણાવમાંથી મુક્ત થવા મદદ કરે છે, સંતુલન સુધારે છે, એકાગ્રતા વધારે છે અને જીવનને વધુ સુખાકારી બનાવવા મદદરૂપ થાય છે.
ભારતમાં યોગની પરંપરા સદીઓ જૂની છે. ભારતે હંમેશા વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. આ પ્રચાર-પ્રસાર ત્યારે લેખે લાગ્યો જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં યુનાઈટેડ નેશન્સની મહાસભામાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સ્વીકારીને મહાસભાએ વર્ષ 2015 થી દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.
જે અંતર્ગત આ વર્ષે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ પર ઉજવવામાં આવશે. જયારે ગત વર્ષે ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ ઉપર સમગ્ર વિશ્વએ યોગ દિવસની ઉજ્જવણી કરી હતી. જેના પરિણામ સ્વરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે સુરતમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં 1.50 લાખથી વધુ નાગરિકો એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.
આ વર્ષે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત માનુભાવોની પ્રેરક ઉપસ્તિથિમાં નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજ્જવણી કરવામાં આવશે.
હવે સમગ્ર વિશ્વના નાગરિકો યોગના ફાયદા સમજીને તેને પોતાના દૈનિક વ્યવહારમાં સામેલ કરતા થયા છે. ગુજરાતમાં યોગનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય, યોગની પ્રવૃત્તિઓને વધુ વેગ મળે અને સ્વસ્થ ગુજરાત થકી સ્વસ્થ ભારત બને તે માટે ગુજરાત સરકાર દ્વારા ‘યોગ બોર્ડ’ની રચના કરવામાં આવી હતી. યોગ બોર્ડનો મુખ્ય ઉદેશ્ય રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે.
યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. આ પ્રયત્ન રૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગ કોચ નિમવા, યોગ કોચને તાલીમ આપવી તથા દરેક યોગ કોચ હેઠળ નવા યોગ કોચ તૈયાર કરવા જેવી ઉમદા કામગીરી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, ચાલો યોગની શક્તિને અપનાવીએ અને તેને આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવીએ.