દેશ વિદેશના મહિલા કલાકારોએ માણી ત્રિ-દિવસીય મૈત્રી કલા શિબિર
મહિલા દિને વિદ્યાર્થિનીઓની ચિત્ર સ્પર્ધા: ૨૫ દિકરીઓએ ભાગ લીધો
‘ગીર વેલી આર્ટીસ્ટ વિલેજ, આકોલવાડી-ગીર’ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીએ હોળીના રંગોથી તરબતર ત્રિ-દિવસીય ‘આંતરરાષ્ટ્રીય મહિલા કલા શિબિર: કેસુડો-૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્ર્વની નામી મહિલા કલાકારોએ ભાગ લીધો હતો. ચો તરફ ફેલાયેલાં કેસુડાના વૃક્ષો અને લચેલી આમ્રમંજરીની આહલાદક મદભરી સુગંધ વચ્ચે હોળી-ધૂળેટીના દિવસોમાં દેશ-વિદેશની મહિલા કલાકારોએ આ મૈત્રી-કલા શિબિરને ભરપૂર માણી હતી અને એ રંગ તેઓની કલાકૃતિમાં જોવા મળ્યો હતો.
શિબિરના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આકોલવાડી ગીરની જુદી જુદી શાળાની વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આશરે ૨૫ ક્ધયાએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ ત્રણ વિજેતાઓની દિવાળી બા ટ્રોફી, પ્રમાણ પત્ર અને ઇનામો શિબિરમાં આવેલા સિદ્ધહસ્ત કલાકારોના હસ્તે અપાયા હતા.
‘કેસુડો-૨૦૨૦’ શિબિરમાં સિરિયાથી મરિયમ અલહકીમ, ભારતની દીપા પંત, કૈલાશ દેસાઇ, નિરુપમાં ટાંક દ્વારા ચિત્રોનું અને રીના વાઘેલા દ્વારા શિલ્પનું સુંદર સર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેમાન કલાકાર તરીકે ઇટલીના ખ્યાતનામ આર્કિટેક મેટ્ટીયો બાયલાએ પણ કુદરતથી પ્રેરણા લઇ ચિત્રનું સર્જન કર્યુ હતું.
ઉમેશ કયાડા અને કૃષ્ણ પડિયા આયોજીત ત્રિ-દિવસીય મૈત્રી-કલા શિબિર આંતરાષ્ટ્રીય કલાકારોે હરહર્મેશ નવતર અને પ્રયોગશીલ સર્જન દ્વારા પોતાનું વ્યક્તિત્વ ઘડતા રહેતા આકોલવાડી ગીરની શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ કલાપ્રેમીઓ સાથે કલા-ગોષ્ઠી પણ કરી હતી.
આગામી સમયમાં સફાઇ અભિયાન, વન્યજીવો અને વૃક્ષો બચાવો અભિયાન તેમજ નવતર કલાપ્રયોગોનું આયોજન થવા જઇ રહ્યું છે તેવું આયોજકોએ જણાવ્યું હતું.