- ખડક કે પથ્થર એ એકથી વધુ ખનીજો કે મિનરલોઇડસનો કુદરતી રીતે બનતો સમૂહ છે.
- ખડકોનાં વૈજ્ઞાનિક અભ્યાસને ‘પેટ્રોલોજી’ કહે છે.
- ખડકોનું સમગ્ર ઇતિહાસમાં વિશેષ મહત્વ રહ્યુ છે.
આંતરરાષ્ટ્રીય રોક દિવસ : આ દિવસ દર વર્ષે 13 જુલાઈના રોજ ઉજવવામાં છે. ખાસ કરીને માનવજાત માટે અગ્નિકૃત, જળકૃત અને મેટામોર્ફિક ખડકોના મહત્વને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખડક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આદીકાળથી માનવ જીવન સાથે ઘણી વસ્તુઓ જોડાયેલી છે. જેમાં પાણી, વૃક્ષો અને પહાડોનું વિશેષ મહત્વ રહેલું છે. ગુફાવાસીના કાળથી આ ત્રણેય વસ્તુઓના સથવારે માનવ વિકાસ કરતો આવ્યો છે.
આદી માનવની સંસ્કૃત્તિનો ઉછેર આવી જગ્યાએ જ થયેલો છે. જ્યાં પાણી, વૃક્ષો, પક્ષીઓ અને પહાડો હોય છે. એ કાળમાં પથ્થરમાં વિવિધ હથિયારો બનાવીને ગુફાવાસી શિકાર કરીને પોતાનું પેટ ભરતો હતો. અગ્નિ પેટાવવા પણ તે બે પથ્થરોનું ઘર્ષણ કરીને અગ્નિ ઉત્પન કરતો હતો. ખડકો કોઇને બહુ મહત્વના ન લાગે પણ માનવ જાતના વિકાસ, અસ્તિત્વ અને સંસ્કૃત્તિ માટે મહત્વના હતા. સ્વ બચાવ માટે પણ આદી માનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો. આજે ઇન્ટરનેશનલ રોક ડે ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે ભાવિ પેઢીને આ બાબતે જ્ઞાન આપવું દરેકની ફરજ બની જાય છે
ત્રણ પ્રકારનાં ખડકોમાં અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરીત ખડકનો સમાવેશ થાય છે.
ખડક કે નાના-મોટા પથ્થરો જીવન વિકાસ માટે આવશ્યક પદાર્થ છે. આ અંગેના અભ્યાસને ભૂસ્તર શાસ્ત્ર કહેવાય છે. આપણી પૃથ્વી પર ત્રણ પ્રકારનાં ખડકો જોવા મળે છે. જેમાં અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત ખડકનો સમાવેશ થાય છે. ગુફાવાસી યુગથી લઈને આજના યુગ સુધી માનવ તેનો ઉપયોગ કરતો આવ્યો છે. આજે દરિયાકાંઠેથી મળતા વિવિધ પથ્થરો સુશોભન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેજ રીતે પ્રાચિનયુગમાં પણ કલરફૂલ પથ્થરોની માળા બનાવીને આદી માનવ પહેરતો હતો. મોટાભાગના ખડકોની રચના કુદરતી રીતે થયેલ છે. માનવ જીવનનાં અસ્તિત્વ અને સંસ્કૃતિ સાથે પ્રારંભ કાળથી જોડાયેલા આ તત્વનો ઓળખવો જરૂરી ખૂબ છે. પર્યાવરણ મુજબ તેના રંગ, આકાર અને કદ જુદા-જુદા હોય શકે છે.
આજના યુગમાં પથ્થર પાયાનો પથ્થર બની ગયો છે
ખનીજોનો વિશાળ રફ સમુહ પથ્થર કે ખડકો છે. પૃથ્વીનો બાહ્ય પડ ખડકોનો બનેલો છે. જે આપણને પર્વતો જેવા દેખાય છે. સમગ્ર ઇતિહાસ પર નજર કરીએ તો તેનો વ્યાપક પ્રમાણે ઉપયોગ થયો છે. સાધન તરીકે કે વિવિધ હેતુંઓ માટે ઉપયોગ કરાય છે. જેમ કે માર્બલ, ગ્રેનાઇટનો ઉપયોગ ફ્લોરીંગ માટે અને નાના ખડકોનો ઉપયોગ ઇમારત બાંધવામાં, રસ્તા બનાવવામાં થાય છે. પૃથ્વી પર તે કુદરતી રીતે બન્યા હોવાથી તોડીને પછી તેમાંથી અંતિમ ઉત્પાદન મેળવવા પ્રક્રિયા થાય છે. આપણે હિરા, મોતી, રત્નો, માણેક ખરીદીએ છીએ. કારણ કે તેમાં હીલીંગ ગુણધર્મો હોવાથી તે વ્યક્તિને શાંતિ, આનંદ અને ખુશી આપે છે.
પથ્થરમાંથી શિલ્પકાર મૂર્તિનું સર્જન કરે છે
પુરાતત્વ ખાતું ખોદકામ કરીને વર્ષો પહેલાની સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. અમુલ્ય ખજાનો બહાર કાઢવા, ખાણ કામ અને ઉત્ખનન પણ કરવામાં આવે છે. આદિ માનવ કે ગુફાવાસીથી શરૂ કરીને આજના યુગમાં પણ પથ્થર ‘પાયાનો પથ્થર’ બની ગયો છે. પથ્થરમાંથી શિલ્પકાર મૂર્તિનું સર્જન કરે છે. અમૂક પથ્થરો તો એટલા બધા આકર્ષક હોવાથી તેની લાખોમાં કિંમત અંકાઇ છે. કોલસો પણ એક જાતનો પથ્થર જ છે. પાણીના સતત ઘર્ષણ કે બહાવને કારણે વિવિધ આકારો જોવા મળે છે. જળકૃત ખડકોમાં શેલ, રેતીનો પથ્થર, ચાક અને ચુનાનો પથ્થર ગણાય છે. અમુક પિગળવા ખડકમાંથી અગ્નિકૃત ખડકો રચાય છે.
પથ્થરે ભાષા શાસ્ત્રીઓને ભાષા સમજવા સક્ષમ બનાવ્યા
જ્વાળામુખીમાંથી પૃથ્વીની સપાટી પર મેગ્મા ફાટી નીકળે છે. જેને લાવા પણ કહેવાય છે. તે સુકાતા ખડકોનું રૂપ ધારણ કરે છે. માનવની ઉત્ક્રાંતિ માટે ખડકો મૂળભૂત રહ્યા છે. શિકારના પ્રારંભિક સાધનો અને શસ્ત્રો હતા. તેમાંથી ખડક રોસેટાસ્ટોન 1799 માં શોધાયેલ. આ પથ્થરે ભાષા શાસ્ત્રીઓને ભાષા સમજવા સક્ષમ બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૌથી મોટી શુધ્ધ સોનાની ગાંઠ 1869માં ઓસ્ટ્રેલિયામાં મળી હતી. જેનું વજન 156 બીએસ હતું. કોલસો હકિકતમાં એક જળકૃત ખડક છે. જે વનસ્પતિના પદાર્થો સંકુચિત સ્તરમાંથી રચાય છે.
પૃથ્વીના સૌથી પડકારરૂપ યુગમાં માનવજાતને ખડકોએ મદદ કરી છે
ખડકો જ આપણો ગ્રહ બનાવે છે. યુગો-યુગોથી આપણે તેનો ઉપયોગ કરીને વિકાસ કરતાં આવ્યા છીએ. માનવ જાતને યોગ્ય રીતે આગળ વધારવામાં ખડકોનું મહત્વ વિશેષ છે. એટલે જ આપણે ‘પથ્થર યુગ’ કહીએ છીએ. આપણી આસપાસના ખડકોનું પૃથકરણ કરવું જોઇએ. ખડકો આપણા પર્યાવરણના રક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તે જમીનનું ધોવાણ પણ અટકાવે છે. ખડકોમાંથી મળી આવતા ખનીજો અને ધાતુઓ માનવ સંસ્કૃતિ માટે મહત્વના છે. ખડકોએ માનવતાને પૃથ્વીના સૌથી પડકારરૂપ યુગમાં મદદ કરી જ્યારે માનવ પાસે કઈ પણ ના હતું.
માનવતાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે
ખડકો મહાસાગરો વચ્ચેના અંતરને પૂરવામાં મદદ કરે છે. જો ખડકો ન હોત તો આપણે હજુ કાચો ખોરાક જ ખાતા હોત. તે માનવતાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. દોષ રહિત ખડક કરતાં ખામી વાળો હીરો વધુ સારો હોય. ખડકોના માનવ જાત માટેના મહત્વ માટે 1931થી સમગ્ર વિશ્વમાં તેનો દિવસ ઉજવાય છે. અવકાશમાંથી પણ એસ્ટરોઇડ ધરતી પર પડે છે. નાના અવકાશ ખડકો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. ધરતીના પેટાળમાં પણ વિશાળ ખડકોમાં ફેરફાર થાય ત્યારે ભૂકંપ જેવી સમસ્યા આવતા ઘણીવાર નવા ખડકો પણ ધરતી પર આવી જાય છે.
અરુણ દવે