૧૫ દેશના ૧૦૦ જેટલા સાધકો ક્રિસમસની ઉજવણીના બદલે આત્મા સાક્ષાત્કાર મેળવવા આવ્યા છે પ. પૂ. શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં
પ. પૂ. શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત સમર્પણ ધ્યાન યોગ વિશ્ર્વભરમાં ફેલાયેલ છે. અનુભૂતિ પર આધારિત આ ધ્યાન પદ્ધતિ દ્વારા વ્યકિતનો સર્વાંગી વિકાસ થાય છે. સમગ્ર વિશ્ર્વમાં સમર્પણ ધ્યાન યોગની શિબિર નિ:શુલ્ક છે. આ ધ્યાન પદ્ધતિ સરળ અને સત્યપર આધારિત હોવાથી લાખો લોકોએ આ ધ્યાન પદ્ધતિ અપનાવી છે તેમાં વિદેશના સાધકોનો પણ સમાવેશ થાય છે.
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા સમર્પણ ધ્યાન યોગની આંતરરાષ્ટ્રીય શિબિરનું આયોજન તા.૧૫ ડિસે. થી તા. ૨૨ ડિસે. દરમ્યાન સૌરાષ્ટ્ર સર્મપણ આશ્રમ સિંધાવદર ખાતે કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર વિશ્ર્વના ૧૫ દેશોમાંથી ૧૦૦ જેટલા સાધકોએ હાજરી આપી છે. જેમાં યુ.કે, યુ.એસ, જર્મની, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયાના સાધકોનો સમાવેશ થાય છે.
તા. ૧૫ થી પ્રારંભ થયેલ શિબિરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક પ્રયોગો દ્વારા પણ વિજ્ઞાન અને આધ્યાત્મ વિશે સમજૂતી આપવામાં આવી હતી.
પૂ. સ્વામીજીના સેશનમાં વિદેશી સાધકોએ દિવ્ય અનુભૂતિની પ્રાપ્તિ કરી હતી. પૂ. સ્વામીજીના ધર્મ પત્ની અને તેમના પ્રથમ શિષ્યા પૂ.ગુરુમાં એ પણ પોતાની આગવી શૈલીમાં વિદેશી સાધકોને પ્રવચન અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ આશ્રમમાં ટ્રી પ્લાન્ટેશન પણ કર્યું હતું. નિયમિત અડધી કલાકનું ધ્યાન વ્યકિતનું જીવન બદલાવી શકે છે તેવું જણાવતા પૂ. સ્વામીજીએ પોતાના પ્રવચનમાં ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું.