કમ્બોડીયા, લેટવીયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપોર, સ્વીત્ઝરલેન્ડ અને બ્રાઝીલ સહિતના દેશોના ૫૫ પતંગબાજો ભાગ લેશે
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આવતીકાલે બુધવારના રોજ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. કાલે સવારે ૯:૦૦ કલાકે સાંસદ મોહનભાઈ કુંડારીયા આ પતંગ મહોત્સવનો આરંભ કરાવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, ગુજરાત પ્રવાસન વિભાગના કમિશનર જેનુ દેવન્ટ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, કાલે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯ થી બપોરે ૪ કલાક સુધી યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કમ્બોડીયા, લેટવીયા,કોરીયા, ઈસ્ટોનીયા, લેબેનોન, મલેશિયા, નેધરલેન્ડ, તુર્કી, સિંગાપોર, સ્વીત્ઝરલેન્ડ, ઈઝરાયલ, બ્રાઝીલ સહિતના દેશો તથા ભારતમાંથી મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરેલા, વેસ્ટ બંગાલ અને આસામ સહિતના રાજયોમાંથી આશરે ૫૫ જેટલા પતંગબાજો ભાગ લેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૮માં કૃતિઓ, રંગબેરંગી ફુગાવાઓ, ગગનમાં ઉડતી પતંગ, બાળકોની, ચિકયારો વચ્ચે ખુલ્લો મુકવામાં આવશે. સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે દિપ પ્રાગટય કરી પતંગ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા અને શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરા સહિતના લોકો ઉપસ્થિત રહેશે.