દેશ વિદેશના પતંગબાજો વિરાટકાય પતંગ સાથે ભાગ લેશે

ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૯-૦૧-૨૦૧૯ નાં રોજ સવારે ૯.૦૦ વાગ્યાથી રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દેશ વિદેશના કુલ ૭૯ પતંગબાજો વિવિધ આકારની આકર્ષક અને રંગબેરંગી એવી વિરાટકાય પતંગો ઉડાડશે. રાજકોટનાં લોકો માટે આ પ્રસંગ મકર સંક્રાંતિ પૂર્વેનું એક સુંદર નઝરાણું બની રહેશે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

ગુજરાત પ્રવાસન વિભાગના કમિશનરશ્રી જેનુ દેવન અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી જેમ કે, ફ્રાન્સના ૦૪, જર્મનીના ૦૨, હન્ગ્રીના ૦૪, ઇઝરાયેલના ૦૬, ઈટાલીના ૦૫, કેન્યાના ૦૨, કોરિયાના ૦૪, કુએતના ૦૩, લિથુઆનિયાના ૦૭, મલેશિયાના ૦૫, મેક્સિકોના ૦૨ અને ઇન્ડોનેશિયાના ૦૪ એમ કુલ મળીને ૪૮ વિદેશી પતંગબાજો ભાગ લેશે. આ ઉપરાંત ભારતમાંથી કેરાલાના ૦૪, પંજાબના ૦૩, રાજસ્થાનના ૦૮, તામિલનાડુના ૦૭, લખનૌના ૦૪, ઉતરાખંડના ૦૫ એમ કુલ મળીને ૩૧ ભારતીય ભાગ લેશે. તેમજ સૌરાષ્ટ્રમાંથી ભુજ, માંડવી, સુરેન્દ્રનગર, ખંભાળિયા, અમરેલી, આટકોટ અને રાજકોટના કુલ ૮૦ પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેશે.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનાં આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ આયોજનની સફળતા માટે મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સુપરત કરવામાં આવેલ છે. આ આયોજનને સફળ બનાવવા શ્રી જેનુ દેવન અને શ્રી બંછાનિધિ પાની તેમજ બંને તંત્રના અધિકારીશ્રીઓએ જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.