માનવ ગૌરવના રક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર કરાઈ છે ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ની ઉજવણી
સામાન્ય રીતે, માનવીના હિતને કાયદા થકી સુરક્ષિત રાખવું એટલે માનવ અધિકાર. માનવી મુળભુત રીતે જે અધિકારો સાથે જન્મે અને આજીવન જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્ત રીતે ભોગવી શકે, તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવ અધિકારોમાં સ્વતંત્રતા અને સુરક્ષાનો અધિકાર, આર્થિક શોષણ સામે પગલાં લેવાનો અધિકાર, રંગ, જાતિ, ભાષા, ધર્મના આધારે સમાનતાનો અધિકાર, કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર, કાયદા સમક્ષ પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકારનો સમાવેશ કરી શકાય.
વિશ્વભરમાં દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ની ઉજવણી તા. 10 ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. સમાનતા, શાંતિ, ન્યાય, સ્વતંત્રતા અને માનવ ગૌરવના રક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ’ની થીમ ’ગરિમા, સ્વતંત્રતા અને તમામ માટે ન્યાય’ છે.
માનવ અધિકારોના ખ્યાલનો ઉદ્ભવ
વિશ્વમાં માનવ અધિકારોના ખ્યાલનો વિકાસ અને ઉદભવ 13મી સદીમાં ઈંગ્લેન્ડમાં બનાવાયેલ લેખિત દસ્તાવેજ ‘મેગ્નાકાર્ટા’ને ગણી શકાય. માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્ત થવા જોઇએ, તેવા તમામ અધિકારો ‘મેગ્નાકાર્ટા’ દસ્તાવેજથી ઇગ્લેંડની પ્રજાને આપવામાં આવ્યા હતા. ઇ.સ. 1914થી ઇ.સ. 1919ના પ્રથમ વિશ્વયુધ્ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. જેની ફલશ્રુતિરૂપે ઇ.સ. 1945માં વૈશ્વીક સ્તરે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર’ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો હતો.
માનવ અધિકારોના ભંગ બદલ ફરિયાદ ક્યાં કરી શકાય?
માનવ અધિકારોના ભંગના કિસ્સાઓમાં કોર્ટમાં જ ફરિયાદ કરી શકાય છે. તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તેમજ રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખિત ફરીયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે. મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે.